OFFICIAL WEBSITE OF JalebiHanumanTEMPLE

Get Help 24/7

07990229830

Haribava Gosai-The Saint Of Mehgam

હરિબાવા દર્શન

અનુક્રમણિકા

ક્મ

પાના નં.

1

હરિબાવા દર્શન
-મંથન

પાના નં.

2

ભાગ-1
-સદ્દગુરુ હરિબાવા,દેવળબાઈ, પિતાંબર દાસ
-ધુણીધામ કોબા
-મઠ મહેગામના માર્ગે
-સ્મૃતિઓ

પાના નં.

3

ભાગ-2
-હરિના પરચા

પાના નં.

4

ભાગ-3
-પરિતૃપ્તિ
-સમકાલિન યુગના સંતો
- ઐતિહાસિક સામ્યતા
-ભારતીય સંસ્કૃતિ
--ઐતિહાસિક સમર્થન

પાના નં.

5

ભાગ-4
-નૈવેધની વાનગી અને ભજનો

પાના નં.

6

ભાગ-5
-અહીં સમાવિષ્ટ

પાના નં.

7

ભાગ-6
-મહેગામ જતાં દર્શન યોગ્ય સ્થળો

પાના નં.

અનુક્રમણિકા

ક્મ

પાના નં.

8

ભાગ-7
-નવેજના ભજનો અને તવનો

પાના નં.

9

ભાગ-8
હરિબાવાના બીજા મંદિરો

પાના નં.

10

આભાર

પાના નં.

11

આરતી

પાના નં.

12

નૃસિંહ યંત્ર

પાના નં.

Page 7

સ્તવન

વિનંતી કરીએ બાવા તને વિનંતી કરીએ

પૂર્વ દિશાથી નિકળ્યાં બાવા ને,ઉત્તર દિશાએ જાય

મહેગામ ગામમાં મનડા રે મોહયા(2) મઠ બાવાનો બંધાય

બાવા તને વિનંતી કરીએ

મહેગામ ગામમાં મઠ બંધાયોને ધાર્યું બાવાનું નામ

દુઃખીયા હોય તે સુખીયા થાવો એવો તારો પ્રભાવ

બાવા તને વિનંતી કરીએ

બાવો રે બેઠો દાંતણ કરતા પીતાંબર લાવે પાણી

ચીરી ફાડીને આમલી રોપી એ તો મહેગામ ગામે બિરાજે

બાવા તને વિનંતી કરીએ

જે કોઈ બાવાને મળવા આવે તે ભાવતા ભોજન લાવે

દુઃખીયાનો બેલી તો બાવો કહેવાયો એના દુઃખડા ભાંગી જાય

બાવા તને વિનંતી કરીએ

ગુરૂના પ્રતાપે બોલ્યા રે ચેલા,ગુરૂના પ્રતાપે બોલ્યા

હરિ બાવા મારી વ્હારે રે આવો મને રાખો ચરણથી પાસ

બાવા તને વિનંતી કરીએ

વિનંતી કરીએ બાવા તને….

Page 8

હરિબાવા દર્શન

      (પ્રત્યેક કાર્યોની સિધ્ધિ માટે પહેલાં શ્રી ગણેશ, ગુરુ,સૂર્ય,બ્રહ્મા,વિષ્ણુ,શિવ અને સરસ્વતીને પ્રણામ કરું છે.)

|| મંથન ||

      સદ્દગુરુ તરીકે લોકોના હ્રદયકમળમાં વર્ષોથી વિરાજમાન એવા પરમ પૂજ્ય શ્રી હરિબાવા મહારાજ વિશે પ્રત્યેક વ્યકિત કપોલકલ્પિત વિચારો રજૂ કરે છે. બુધ્ધિજીવીઓ માટે સંશોધનનો વિષય છે. સદ્દગુરુ હરિબાવાનો મહિમા અનંત છે. એમની જીવનલીલાને જાણવાની સમજવાની જીજ્ઞાસાએ અમને અહીં એમના વિશે મંથન કરવા પ્રેરિત કર્યા છે.

         આવનારી પેઢી એમના વિશે અજ્ઞાત રહે તે શોભનીય નથી. અત્યારપછીની પેઢી આ વૈજ્ઞાનિક યુગમાં વૈકલ્પિક વિચારશ્રેણીથી ભરમાઈને પરમ પૂજ્ય સદગુરુ શ્રી હરિબાવા મહારાજના આર્શિવાદથી વંચિત રહી ન જાય એટલા માટે સવેળાએ અહિં આ પુસ્તકરૂપે પૂ. હરિબાવાની જ્યોત પ્રગટાવી સૌના હદયને પ્રકાશિત કરવાનો અમારો આ પ્રયત્ન અસ્થાને નથી.

        એક અલૌકિક સિધ્ધપુરુષ સાડા ચારસો વર્ષ અગાઉ દક્ષિણ ગુજરાતમાં પ્રસિધ્ધ થઇ ગયા. એમનું નામ ‘હરિગોંસાઈ’ હતું. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતની મધ્યપટ્ટીમાં એમને અહાલેક જગાવેલો. એમનાં અંતિમ દિવસોમાં નર્મદા અને ભુખરી નદી અને અરબીસમુદ્રના ભરૂચ પાસેના ત્રિવેણી સંગમ સ્થાને મહેગામમાં સ્થાયી થઈ મઠની સ્થાપના કર્યા બાદ એમની જીવનલીલાને સંકેલી લીધી હતી. એમના આશિર્વાદ માહ્યાવંશી ક્ષત્રિય સમાજ અને એમના પ્રત્યે શ્રધ્ધા ધરાવનારા રોહિત સમાજ પર તેઓ મુકતા ગયા. માહ્યાવંશી સમાજનો આ સાંસ્કૃતિક અને ધાર્મિક વારસો છે. સદ્દગુરુ હરિબાવાનું સ્મરણએ આ સમાજનું અભિન્ન અંગ છે. ચાલો, એમના વિશેના વિભિન્ન પાસાઓને જોવાનો અને સમજવાનો પ્રયત્ન કરિએ.

ધાર્મિક

      પૂ. શ્રી હરિબાવાનો નામનો પાટ માંડી એક દિવામાં બે જ્યોત પ્રગટાવી ભજન કિર્તન કરી એમના સ્મરણ માત્રથી સર્પદંશનું ઝેર પણ ઉતરી જાય છે. અને મનુષ્ય કે પશુ પણ સાજા સમા થઈ જાય છે. આ સત્ય ઘટનાના સાક્ષીઓની સંખ્યા અસંખ્ય છે. આપણા આરાધ્ય ઇષ્ટદેવનો આ અત્યંત ચમત્કારિક પરચો છે.

Page 9

|| સામાજિક ।।

      જેમના દિકરા દિકરીના લગ્ન થતા ન હોય કે કોઇપણ વિઘ્ન નિવારણ માટે પૂ. હરિબાવાનું સ્મરણ કરી નૈવેદ્ય(નવેજ) ચઢાવવાની બાધા આખડી માનવામાં આવે તો તેમના કાર્યો અવશ્ય પરિપૂર્ણ થાય છે.

    જેમનો ખોળો સુનો હોય, ખોળાનો ખુંદનાર ન હોય તો પણ એમની માનતા રાખવાથી કૃપાવંત બને છે.

    લગભગ દરેક લગ્ન પહેલાં કે ત્યારબાદ ભજનમંડળ અને સગાસંબધીઓને આમંત્રિત કરી નૈવેદ્ય ચઢાવવામાં આવે છે. તે સૌ કોઇ જાણે છે. આ શ્રધ્ધા અને આસ્થાનો સંગમ છે.

|| વિશિષ્ટ દ્રષ્ટિ ।।

          સાહિત્યને સાચવવામાં ન આવે તો ઈતિહાસ ભુંસાઇ જાય છે. અથવા તો જે તે સમયના લોકો સાહિત્યનું સર્જન કરતાં નથી કે ટૂંકી નોંધ પણ મુકી જતાં નથી. ત્યારે મહાત્મા કે વિશિષ્ટ વ્યકિત કે સમાજનો યાદગાર પ્રસંગોને જાણવાનું, સમજવાનું કે તેમના કાર્યો કે જે તે વિષયને બિરદાવવાનું કે મુલવવાનું અત્યંત કઠણ બની જાય છે. તેવું જ કંઇક સદ્દગુરુ હરિબાવા વિશે પણ બન્યું છે. અને એટલે જ લોકો હ્રદય જે ઉપલબ્ધ છે તે સચવાય રહે તે હેતુથી આ પુસ્તક અમે રજુ કર્યું છે.

     આવી પરિસ્થિતમાં અમે આપણા પ.પૂ. શ્રી હરિબાવા મહારાજનું જીવનચરિત્ર પ્રત્યેક માહ્યાવંશી ભાઇબહેનો અને ભકતોના ઘરમાં ઉપલબ્ધ થાય એ માટે આ પુસ્તક તૈયાર કરી પ્રસિધ્ધ કરવાનું બીડું ઝડપવાનો યથાર્થ પ્રયત્ન કર્યો છે. હવે જો કે પાણીમાં પાણો તો નાખ્યો છે, તો એમાંથી ઉદ્ભવતા તરંગોની જેમ અંતરંગો દ્રારા હરિરસનો લ્હાવો લેવા કેટલા ભાગ્યશાળી થઈએ છીએ તે જોઈએ.

“પ્રભુ તું પાર ઉતારે, ન એવી પ્રાર્થના મારી,

તરી જાવા ચહું શક્તિ, પ્રભો એ પ્રાર્થના મારી.”

Page 10

ભાગ - ૧

।। ધુણીધામ કોબાના ગુણીજનના કથન પરથી આધારિત ।।

           ધુણીધામ કોબાના આધારભૂત પ્રવક્તા, ધુણીધામના વંશજ શ્રી નરભેરામભાઇ મંછારામ વિષ્ણુમાર્ગી, જેઓ કીમ પરભુનગર(મુળદ) ગામ કહે છે તેમની મુલાકાતે અમારા બે મિત્રો સાથે શુક્રવાર તા. ૩-૧૧- ૨૦૦૪ ના રોજ સવારે ૧૦-૩૦ વાગે અમો પહોંચી ગયા.

           સંકલનકર્તા તરીકે ૬૦ જેટલા પ્રશ્નોની પ્રશ્નાવલી તૈયાર કરી હતી. શ્રી નરભેરામભાઇ બોતેર વર્ષ ની વયે પણ સશક્ત, તંદુરસ્ત અને તેજસ્વી લાગતા હતા. સાંભળવા જેવી વ્યક્તિ છે. એમના દ્વારા પ્રાપ્ત માહિતીને અહીં પ્રસ્તુત કરવામાં આવી છે.

।। ૫.પૂ.શ્રી સદ્દગુરુ હરિબાવા વિશે ।।

         કહેવાય છે કે હરિબાવા મુળ પશ્વિમ મધ્યપ્રદેશમાં આવેલા સંભલગઢના વતની હતા. એવું એમના કાકાશ્રી પ્રભુદાસના હાથે તે જમાનામાં કાળી સ્યાહીથી લખાયેલ પુસ્તકમાં વાંચવામાં આવેલું. દેખરેખના અભાવે હાલમાં એ પુસ્તક ઉપલબ્ધ નથી.

       હરિબાવા કઈ જ્ઞાતિના હતા તે વિશે પુછતા “સાધુને જ્ઞાતિ હોતી નથી” એવું કહ્યું. હરિબાવાનું અસલ નામ ‘હરિયો’ હતું. તળપદી ભાષામાં નાનપણમાં બાળકોને માનપ્રદ નામે બોલાવતા નથી, બલ્કે આ રીતે બોલાવવું સુગમ અને લાડકું લાગે છે.

     હરિબાવાના ગુરુ કોણ હતા એ વિશે એમણે એક વાત કહી. એક વખત સાધુઓને સંઘ આવતો હતો. સાતેક વર્ષના ‘હરિભાઈ’ ગામના ગોંદરે ગેડીદંડો રમતા હતા. હરિભાઈએ ગેડી ફટકારી તો તે ગેડી બાવાના પગ પાસે પડી. આથી ગેડી લેવા કોઈ ગયું નહિ. છોકરાઓ બાવાની બીકે દૂરભાગી ગયા. હરિભાઈ ત્યાંજ દૂર ઊભા રહ્યાં. સાધુબાવા આ નિડર બાળકની પાસે આવ્યા. મસ્તકે હાથ મુક્યો. નામ પુછ્યું. એના નિડર અને મીઠા અવાજથી પ્રભાવિત થઈ સાધુબાવાને હરિભાઈના માતાપિતાને મળવાની ઈર્છા જાગી. એમના માતાપિતાને મળી હરિભાઈ વિશે ભવિષ્ય ભાખ્યું. એમની સંગાથે લઈ જવા પરવાનગી માગી અને તેઓ

Page 11

હરિભાઈને બાવાઓના ઝુંડમા સાથે લઈ ગયા. આ સાધુબાવા કોણ હતા. ક્યાંના તે માહિતી મળવી મુશ્કેલ છે, પરંતુ તેઓ એમના ગુરુ તરીકે પ્રસ્થાપિત થયા એ આ પ્રસંગપરથી નિશ્ર્ચિત છે.

।। પૂ.દેવળબા (હરિબાવાના ધર્મપત્નિ) ।।

          હરિભાઇના ધર્મપત્નીનું નામ દેવળબાઈ હતું. તેઓ મધ્યપ્રદેશમાં આવેલા ‘હરસડી’ ગામના હતા. દેવળબા રાજપૂત કુળના હતા.

       સંભલગઢમાં કોઇક સાધુબાવા આવ્યા હતા. તે હરિભાઇને સાથે લઇ ગયા તે વાતને ઘણા વર્ષો વીતી ગયા હતા. અહીં દેવળબાનું સગપણ હરિભાઇ જોડે થયું હતું. દેવળબા લગ્નવયસ્ક થવા આવ્યા. પરંતુ હરિભાઇના કોઇ સગડ નથી. સમય વીતતો ગયો. મા-બાપને ચિંતા થવા લાગી. લગ્નને આરે ઊભેલી કન્યાને ક્યાં સુધી ઘરમાં સંઘરી રાખવી. આખરે સમાજને પૂછી સગાસંબંધીઓની વાત સાંભળી દેવળબાનું વેવિશાળ બીજે ક્યાંક રાજપૂત કુળમાં કર્યુ.

      શરણાઇઓ વાગી રહી છે. ઢોલ પર દાંડીયા પડે છે. જુવાનિયાઓ નાચી-ઝુમી રહયાં છે. ગામડાની ગોળીઓ લગ્નગીત ગાઇ છે. આજે દેવળબાના લગ્નનો મંગળ દિવસ છે. બ્રાહ્મણો ચોરીની તૈયારી કરી રહયાં છે. રસોઇયાઓ ભાત ભાતની રસોઈ બનાવી રહયાં છે. જાન આવવાની તૈયારીમાં છે. માંડવે જાનના સરભરાની તૈયારીઓ થઈ રહી છે.

    દેવળબાના હ્રદયના ધબકારા વધી રહયાં છે. કંઈક મીઠી મુંઝવણ અનુભવતા બાળપણના સંભાળણા થઈ રહયાં છે. ગામની સખીઓને એક પછી એકને યાદ કરતાં મા-બાપના વ્હાલ સંભાળી જુદાઈની પળના વિચારે આંખોમાં આંસુ આવે છે. ડુસકા ભરતાં ભરતાં વ્હાલમની યાદમાં જુની સગપણ યાદ આવે છે અને હરિભાઈની સ્મૃતિ નજર સમક્ષ તરવરે છે.

        અહીં હરિભાઈને ઝુંડમાં લઈ જનાર બાવો આંખો બંધ રાખીને વિસ્મૃતિમાં ખોવાઈ ગયો છે. સામે ધૂણીમાંથી ધુમાડો આકાશે ફેલાઈ રહયો છે. સવારનો પહોર છે. વનરાજીમાંથી શીતસમિરની લહેરખીઓ મનને તાજગી અર્પી રહી છે. હરિભાઈ ગુરુના સાન્નિધ્યમાં ચરણો પાસે બેઠા છે.

   ગુરુએ ગણિત માંડ્યું. આજે અઢાર વર્ષથી ‘હરિ’ મારી સાથે છે. હવે ગૃહસ્થાશ્રમને લાયક થયો છે. હરિભાઈ ગૃહસ્થાશ્રમને યોગ્ય થયાં હોય યોગાનું યોગ એમના ગુરુએ જ્ઞાન દ્રષ્ટિથી જોતાં ‘હરસડી’ ગામે દેવળના લગ્નની ધામધૂમ ચાલી રહી છે. ગુરુએ જોયું કે ‘હરિ’ના લગ્ન દેવળ જોડે થવાના હતાં તે બીજાને

Page 12

પરણશે એવું લાગતા ગુરુએ હરિભાઈને સતેજ કર્યા. હરિ… તારે અત્યારે જ હરસડી ગામે જવાનું છે. હરિભાઈતો હરસડી ગામનેય ભુલી ગયા હતા. તેમની સ્મૃતિમાં કંઈ આવતું ન હતું.

       હરિભાઈને શુન્યમનસ્ક જોતાં બાવાએ કહયું કે તારા સગપણની બાઈના આજે લગ્ન લેવાય છે. અને તું અહીંયા છે. જા જલ્દી જા. તારા હક્કની કન્યા છે. તારા ભાગ્યની દેવી છે. નવા મુરતીયાનો વરઘોડો હરસડી ગામ તરફ નીકળી ચૂકયો છે બાવાએ વિચાર્યું મારે એની અનન્ય સેવાનો બદલો આપવો જોઈએ.

      હરિભાઈએ ત્યાં પહોંચવાની અશક્તિ દર્શાવી. પહોંચવું કેમ ? ગુરુજીએ આંખ બંધ કરવા કહ્યું. હરિભાઈએ આંખો બંધ કરી અને ચમત્કાર થયો. આંખો ઉઘાડતા હરિભાઈએ હરસડી ગામે જાનમાં ભળી ગયા.

     આવતાની સાથે જ કુંવારી જાનને જમવા બેસાડવામાં આવી. સાધુ સંત બાવાને પણ યોગ્ય આસન આપી સરભરા કરી જમવા બેસાડયા. થાળ પીરસાયા. હરિભાઈ ભોજનથી પીરસેલી થાળ સામે બેઠાં છે. જમાડનારે જોયું કે બાવો આંખ બંધ કરી જમવા પહેલાં કદાચ પ્રાર્થના કરતાં હશે. થોડીવાર થઈ તોયે બાવો(હરિભાઈ) ચાલું કરતા નથી. જમાડનારે આગ્રહ કર્યો. હરિભાઈએ ડોકું ધુણાવ્યું અને કહયું. ‘જે બાઈના લગ્ન થવાના છે તે બાઈ તેના હાથે કોળિયો જમાડે તો મારે જમવું એવો નીમ છે.’

       “આતો ભારે કહેવાય?* આ અશક્ય હતું. જેના લગ્ન થવાના છે અને વરરાજા આવી ગયા છે તેવા ટાણે કન્યા પોતાના હાથે પરપુરુષને ભરી મહેફીલમાં કઈ રીતે જમાડે ? “આ જુવાનજોધ બાવાનો વસવાસ કેવો ?” જો બાવાને ભાણા પરથી ઉઠાડી મુકવામાં આવે તો સાધુસંતનું અપમાન થાય અને આવા માંગલિક પ્રસંગે ખોટો શ્રાપ લેવાનો વખત આવે ! તે જમાનામાં સાધુ સંતો અને બ્રાહ્મણોને અત્યંત માન આદર આપવામાં આવતું હતું. એમની વાતને ટાળી શકાતી નહી.

        છેવતે આ વાત દેવળબાના મા-બાપને કાને ગઈ.તેઓ મુંઝવણમાં પડી ગયા. મા-બાપે આખરે દેવળબાને વાત કરી. એક બાજુ વર પોંકવાની તૈયારીઓ થઈ રહી હતી. મા-બાપની આજ્ઞાથી દેવળબા ઘુંઘટતાણી પૂર્વની સ્મૃતિએ તરત ઊભા થયા. બાવા પાસે આવી એમને પ્રણામ કરી સાધુબાવાને પીરસેલું આરોગવા કહયું. દેવળબાએ ઘુંઘટો તાણીયો છે. ત્યાં બાવા(હરિભાઈ)એ જમાડવા આવનાર બાઈને દુહામાં કહયું.:

“પંચ પૂજ, પતરાળી પૂજ,પૂજ સીંગ બેલકા,

ઘુંઘટ ખોલ દેખ,સ્વામી આયા તેરા પહેલકા”

Page 13

         આ સાંભળતા જ બાઈએ ઘુંઘટ ઉઠાવ્યો. અંતરમાં જેને જ્ઞાનના અજવાળા પ્રગટ થયા છે. જેની સુરતાના તાર તેના પૂર્વના પતિદેવ સાથે બંધાઈ ગયા છે. એવા નાનપણમાં થયેલ સગપણના પતિને જોતાં જ ઓળખી લીધાં. હરિને હેતથી-પ્રેતથી જમાડ્યાં. બાઈએ ઘરે આવીને. મા-બાપને પોતાના મનની વાત કરી. જેમની સાથે તમે મારું પ્રથમ વેવિશાળ કરેલું એ મારા પતિદેવ આજે પર્ધાયા છે હું તો હવે એમને જ પરણિશ. એમના વિના બીજા મારે ભાઈ સમાન.

             મા-બાપ સમો વરતી ગયા. ગુરુબાવાની કૃપાથી હરિભાઈમાં પ્રગટેલી તેજોમય ક્રાન્તિ દ્રશ્યમાન થતાં મા-બાપે સગાંવહાલાની સાક્ષીએ દેવળબાને હરિભાઈ તે હરિબાવા જોડે રાજીખુશીથી ધામધુમથી પરણાવ્યા. તેમના સંસારમાં બે બાળકો થયાં.બાળદાસ અને ગોપાળદાસ, બાળદાસ સંન્યાસી બન્યા અને ગોપાળદાસ સંસારી થયા અને તેમના વંશજો ‘ગોસાઈ’ તરીકે કહેવાયા.

|| પૂ. હરિબાવાના પરમ શિષ્ય પિતાંબરદાસ ।।

         હરિબાવાના પરમ શિષ્ય પિતાંબરદાસ ક્યાંના હતા, મા-બાપ કોણ કેટલી ઉંમરે તેઓ હરિબાવાના શિષ્ય બન્યા વિશે જાણવાની ખાસ ઉત્કંઠા હતી. કારણ જો પિતાંબરદાસ માહ્યાવંશી હોત તો તેમના થકી જ માહ્યાવંશી સમાજમાં પૂ. હરિબાવા માટે ભક્તિનો નાદ જાગ્યો છે એવું જરૂર પ્રમાણીત થાત છતાં માહ્યાવંશી સમાજનો ઈતિહાસ પણ મેયાવત ક્ષત્રિય સમાજ તરીકે ઓળખાય છે.

            જાણવા મુજબ પિતાંબરદાસ રજપુતાણી બાઈના પુત્ર હતા. આ બાઈના ગામમાં એક વખત હરિબાવા પધારેલા. બાઈને એકેય સંતાન ન હતું.હરિબાવાએ આશીર્વાદ આપ્યા.બાઈએ કહયું કે બાવાજી જો મને તમારા આશીર્વાદથી પુત્ર પ્રાપ્તિ થશે તો હું તેને તમારી સેવામાં અર્પણ કરીશ, અને તેમજ થયું.

           ફરતાં ફરતાં હરિબાવા સાતેક વર્ષે ફરીથી એજ ગામમાં આવી ચઢયા અને પેલી રજપૂતાણી બાઈના દ્વારે જઈ ઊભા. બાવાને પેલી બાઈ ઓળખી ગઈ. એમનું સ્વાગત કરી રજપૂતાણીએ વચન નિભાવ્યું. એકના એક દિકરાને જેનું નામ ‘પીતીયો’ કેહતા તેને બાઈએ હરિબાવાની સેવામાં સોંપી દીધો. વચનપાલક માતાના બાળકે માતાની શીખ માથે ચઢાવી હરિબાવા અને દેવળબાની સેવામાં નિષ્ઠાપૂર્વક આજીવન સેવા કરી.

Page 14

II સેવકશ્રી પિતાંબરદાસને જલંધર રોગ ।।

        લોકવાયકા પ્રમાણિત હરિબાવા સવારે દાંતણપાણી કરતી વેળા એક પાત્રમાં ઉલ કાઢતા અને તે કીડી મંકોડા ન હોય એવી જગ્યાંએ નાખી આવવા પિતાંબરદાસને કહેતા.આ નિત્યક્રમ હતો. પિતાંબરદાસ વિચાર કરતાં કે આ પાત્રને કયાં ઢોળવું. કીડી મંકોડા તો દરેક જગ્યાએ હોય.હરિબાવાની સેવાભકિતમાં તત્મય થયેલ પિતાંબરદાસ દૂર ખાડો ખોદી ઢોળી દેતા.છતાં પિતાંબરદાસના માટે લોકવાણી પ્રમાણે ગળે ન ઊતરે તેવી વાત ગળે ઉતરતી નથી. વખત જતાં પિતાંબરદાસને જલંદર રોગ થયો.સમય જતાં ઉઠવા બેસવાનું પણ મુશ્કેલ બન્યું. હરિબાવાએ એમની જ્ઞાનદ્રષ્ટિથી જોતા માલમ પડયું કે પિતાંબરની તો કફોડી દશા છે.

       એક દિવસ હરિબાવાએ પિતાંબરને પૂછયું કે રોજની મારી ઉલ ક્યાં નાંખે છે ? પિતાંબરે ખરી વાત કહી.એ જાણી પિતાંબરની અનન્ય નિષ્ઠાભકિતથી ગદ્દગદ્દ થયાં. અને ભક્તની પીઠ થાબડી, આખા શરીરે હાથ ફેરવતાં પિતાંબરદાસ તરત જ રોગમુક્ત થયા હતા.તેવા નીરોગી અને તંદુરસ્તી થયા. આ ચમત્કારથી રોમાંચિત થઈ પિતાંબરદાસ ગુરુજીને પગે પડયા. હરિબાવાએ આશિવર્ચન આપ્યા. અને કહયું ધન્ય છે તારી ભકિતને. આજથી સંસારમાં મારા પૂજન પેહલાં તારું પૂજન થશે. આજે પણ મઠ મહેગામમાં પિતાંબરદાસની પહેલી સમાધિ છે ત્યાં તેમનું ભક્તો પહેલું પૂજન કરે છે. આટલું જ નહિં આ સાથે હરિબાવાએ બીજા આશિર્વાદ આપતા કહયું કે તેને સર્પ સુધ્ધાં ડંશ મારશે તો પણ તને તેનું ઝેર ચઢશે નહિ, એટલું જ નહિં પણ મારા નામનુ સ્મરણ / રટણ કરતાં, કોઇને પણ સર્પદંશનું ઝેર જરૂરથી ઉતરી જશે. બાવો અઢળક ઢળ્યો !

      આવી અમરવાણી, અરે, અલૌકિક વાણીના પ્રતાપે આ આજે પણ ભૂલેચૂકે ડંશેલા સાપના ઝેર ઉતરી જાય છે. માહ્યાવંશી સમાજ આવા મહાન ઓલિયા સંતના અનુયાયી છે. વારસામાં મળેલી અખૂટ શ્રધ્ધાથી ભક્તજનોમાં આ સીલસીલો ચાલ્યો આવે છે, અને ભજનમાં રસ તરબોળ થઈ જાય છે. ઝેર ઉતરે ત્યાં સુધી હરિબાવાના નામની જ્યોત જલાવી ભજનકિર્તન અવિરત ચાલુ જ રાખે છે. ભારે જનાવર નડયું હોય તો પણ સાડા ત્રણ દિવસમાં હરિબાવાના પ્રતાપે ઝેર ઉતરી જાય છે. અને વ્યકિત સાજોસમો થઈ જાય છે.

       માહ્યાવંશી સમાજ, રોહિત સમાજ કે અન્ય સમાજના શ્રધ્ધાળુઓ પણ સર્પદંશનું ઝેર ઉતારવા આજ ઉપાય કરે છે. ઘણાંને આ હકીકત અચરજ પમાડે તેવી છે.

Page 15

“ગાયે ગાયે રે….હરિબાવાના ગુણ, મહિમા જેનો ભારી,

જેને ડંખેલ વીંછીયલ નાગ, તેને લીધા છે ઉગારી !”

      સવારના અગિયાર કલાકથી સાંજે પાંચ વાગ્યા સુધી સાઠ જેટલા પ્રશ્નોના જવાબો મેળવતા સમય જતાં વાર ન લાગી. સવારે એમને ત્યાં ચા-પાણી પતાવી, બપોરના સરસ મજાનું સ્વાદિષ્ટ ભોજન લીધાં બાદ ફરીથી સાંજે ચા-પાણી કરી શ્રી નરોતમભાઈની મહેમાનગીરીનો આનંદ માણી અમો ઉતાવળે ઘર તરફ રવાના થયા.

|| ધુણીધામ કોબા સ્થળ ।।

     ઓલપાડ તાલુકાના ટકારમા, એરથાણ, કસાદ અને કદરામાં ગામની મધ્યમાં આવેલા કોબા ગામે પૂ. હરિબાવા પઘારેલા અને ત્યાં ધુણી ધખાવી કોબા ગામને પાવન કરેલું. એમની આ સ્મૃતિમાં હરિબાવાની ધુણી ઉપર મંદિર બાંઘવામાં આવ્યું છે.

      કોબામાં બાવાઓની વસ્તી માત્ર આઠ ઘરની જ છે. અન્ય સમાજની વસ્તી પણ છે. શનિવાર તા. ૧- ૨-૨૦૦૫ ના રોજ ઓડિયો વિડિયો શુટિંગ માટે કેમેરા લઇ કેપ્ટન માણેક સાથે ગામ સમથાણ (બારડોલી) થી નીકળી અમો બપોરે બે વાગે કીમ પહોંચી ગયા. ત્યાંથી ધીરૂભાઈ હરિબાવાના ભજનિક સાયણવાળા અને શ્રી નરભેરામભાઈની સાથે અગાઉથી નક્કી કર્યા મુજબ કોબા ધામે પહોંચ્યા.

     શ્રી નરભેરામભાઈના જણાવ્યા અનુસાર તેમની વંશાવલીમાં તેમના દાદા મીઠારામ માઉદાસ નામે હતાં. આજ કુળમાં અગાઉ એમની પેઢીમાં એક બીજા જ ભક્ત શ્રી પિતાંબરદાસ થઇ ગયા હતા. તેમને પૂ. હરિબાવા માટે અનન્ય ભકિત જાગી હતી. કોબા ગામે પૂં. હરિબાવાએ પ્રગટાવેલી ધુણી સામે તેઓ ધ્યાનમગ્ન બેસી રહી નિત્ય ભજન કિર્તન કરતાં. તેમની સંગાથે બીજા સાધુઓનો સંઘ પણ સાથ આપતો. કોબા ગામના અને નરભેરામભાઈના કુળના પિતાંબરદાસના અવસાન પછી તેમની સમાધિ શ્રી હરિબાવાએ પ્રગટાવેલી ધુણીની બાજુમાં સ્થાપવામાં આવેલી છે. વર્ષો પહેલાંના છાજના છાપરાની મઢુલીમાંથી એક ભવ્ય મંદિર ઇ.સ.૨૦૦૨ ની સાલમાં આકાર પામ્યું છે.

Page 16

શ્રીમતી કુમુદબેન માણેક, શ્રી સુરેશદાસ અને શ્રી નરભેરામભાઈ

શ્રી હરીબાવા ધુણીધામ મંદિર સુરત સમિતિ મુ. કોબા,તા. ઓલપાડ, જિ. સુરત સ્થાપના સંવત ૨૦૫૮ નાં રોજ મંગળવારે ઇ.સ. ૨૦૦૨, ૧૨ મી માર્ચના રોજ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, શ્રી વલ્લભભાઇ મુળજી ટકારમાં ગામના વતની હાલના પ્રમુખપદે છે.

સાયણથી ૧૫ કી.મી. દૂર ઓલપાડ તાલુકાનું રળિયામણું નાનું સરખું ગામ છે. જે પૂ.હરિબાવાના ધુણીધામ તરીકે પ્રખ્યાત છે. અહીં મહા વદ તેરસના રોજ મેળો ભરાય છે. જયારે મઠ મહેગામમાં મહા વદ અમાસવાસ્યાના પવિત્ર દિવસે મેળો ભરાય છે.

કાટમાળમાંથી મળેલો ફોટો

Page 17

|| મંદિર ||

       કોબામાં મઢુલીમાંથી ભવ્ય મંદિરનું ઊંચુ શિખર અને તેના પર ધોળી ધજા ફરકે છે. આરસની ફરસવાળી મોટી પરસાળ જેવો સભા મંડપ, ફરતે દિવાલની સાથે ભક્તોને બેસવા માટે બેઠક બનાવેલી છે. બહારના યોગાનથી છ એક ફુટની ઉંચી દિવાલ અને મંદિર ફરતે મેળા માટે ચોપાસ મોટું મેદાન અને તેની ફરતે ગાંડા બાવળનું વન છે. કુદરતી વાતાવરણમાં આ ભવ્ય મંદિરને પ્રણમવાનું જરૂર મન થાય છે. જો કે રસ્તાના વિકાસની ખોટ વરતાય છે.

     મંદિરના ગર્ભદ્રારમાં શ્રી હરિબાવાની સુંદર મુર્તિ સ્થાપવામાં આવી છે. એમ કહેવાય છે કે આ ગામમાં કોઈ બાવાનું જુનું ઘર ભાંગી પડ્યું ત્યારે કાટમાળમાંથી એક ફોટો મળ્યો હતો. જે કોઈક ચિત્રકારે તે સમયમાં બનાવેલો હશે. આ ચિત્રને સુરતના શ્રી કિશોરભાઈ કોસંબીયા ઈર્છાપોરવાલા જેઓ પેઈન્ટર હતા, તેમણે આબેહુબ આ ચિત્રનું મોટું પેઈન્ટીંગ બનાવી આપ્યું.

       ફોટામાં આમલીના ઝાડ પાસે પૂ. હરિબાવા બેઠા છે. તેમની સામે પિતાંબરદાસ બેઠા છે. આ ફોટાથી પ્રેરિત થઈ પૂ. હરિબાવાની સુંદર મૂર્તિને આરસમાં કંડારવામાં આવી છે. તેમની સામે નીચે કોબાના પિતાંબરદાસની સમાધી છે. બાજુમાં જ જે જગ્યાએ શ્રી હરિબાવાની ધુણી હતી તેની નિશાની અકબંધ રહે તે આશયથી ધુણીને ઉપરથી આરસમાં ચણી લેવામાં આવી છે. તેની બાજુમાં જ ત્યાંના પિતાંબરદાસની મૂર્તિની સ્થાપના કરેલી છે. જે પૂ. હરિબાવાને હાથ જોડીને બેઠા હોય તેમ લાગે છે. આમ કોબાના પિતાંબરદાસની સમાધિ શ્રી હરિબાવાની ધુણી અને ત્યાંના પિતાંબરદાસની મૂર્તિ ફરતે સ્ટીલની રેલીંગ કરવામાં આવી છે. આમ ધુણીની ફરતે પ્રદક્ષિણા કરી શકાય એટલી જગ્યા રાખવામાં આવી છે.

        આ સ્થળે શ્રી કેપ્ટન માણેકે ઓડિયો વિડિયોગ્રાફી તેમજ સ્ટીલ ફોટોગ્રાફી કરી. શ્રી નરભેરામભાઈએ અમને આપેલી અગાઉની માહિતીને ફરીથી વિડિયોમાં સંગ્રહવામાં આવી. સાંજે પાંચ વાગે ત્યાનું કાર્ય

Page 18

આટોપી પ્રસાદ લઈ અમો ઘર તરફ રવાના થયા અને શ્રી હરિબાવા ધુણીધામ કોબા સ્થળની માહિતી મેળવી અમો કૃતાર્થ થયા.

|| મઠ મહેગામના માર્ગે ||

"અમે આવ્યા તારે ધામ હરિબાવા બેડો પાર કરો"

     કેપ્તન માણેક દ્રારા “માણેક વેરાણા મેહગામમાં* ઓડિયો કેસેટ પ્રસ્તુત આ ભજન ગાતા ગાતા અમો પોષ વદ અગિયારસને શનિવારે તા.૫-૨-૨૦૦૫ ના રોજ મઠ મેહગામના માગે જવા નીકળ્યા. નકકી કર્યા મુજબ કેપ્તન માણેક માણેકપોર (બારડોલી) થી સમથાણ આવી ગયા. ત્યાંથી અમો સવારે ૮-૦૦ કલાકે મહેગામ તરફ રવાના થયા.

     નર્મદા નદી પર ઇ.સ. ૧૮૭૭ થી ઇ.સ. ૧૮૮૧ માં તૈયાર થયેલ ગોલ્ડન બ્રીજ પરથી ભરૂચ સુધી સીધા હાઈવે નં ૮ પરથી જઈ રહયા હતા. ભરૂચથી દહેજ રોડના માર્ગે ડાબા હાથે આગળ વધ્યા. રસ્તામાં ભુવા ભાડભુત માર્ગ આવે છે. ત્યાંથી કાસવા, મનાડ થઇ મહેગામ શ્રી પૂ. હરિબાવા ની પુણ્યતિર્થ ભૂમિ પર અમો પોણા અગિયાર વાગે પહોંચી ગયા.

શ્રીમતી કુમુદબેન, કેપ્ટન શ્રી માણેક, શ્રી સુરેશદાસ

પૂ. હરિબાવા, દેવળબા અને ભકત શિરોમણી પિતાંબરદાસના સમાધિ સ્થાને ઘી નો દીવો, અગરબત્તી પુષ્પો અને ફુલની ચાદર એટલે એક લાંબી માળાના રૂપમાં અમોએ ચઢાવી, આજીજી કરી પગે લાગી શ્રીફળ વધેરી અમોએ આજની ઘડીને ધન્ય માની કૃતાર્થ થયા. ફુલોની માળા ભરૂચમાં દાખલ થતાં જ મળે છે. ભરૂચને ભૃગુ ક્ષેત્ર પણ કહેવાય છે. ત્યાંથી અમોએ બધી વ્યવસ્થા કરી લીધી હતી. આગળ જતાં નાસ્તો પણ સાથે લઇ લીધો હતો. કારણ મઠ મહેગામમાં આ બધું ઉપલબ્ધ નથી.

Page 19

       અહીં નર્મદા નદીના કિનારે થોડા ખેતરવા દૂર ભરૂચ જિલ્લાની તળભૂમિમાં વસેલું મહેગામ ગામ છે. ગામથી દૂર બે કી.મી. પર પૂ. હરિબાવાની સમાધિ આવી છે. પૂ. સદ્દગુરુ હરિબાવા અને દેવળબાની જીવંત સમાધિ છે. એટલે ફુલની ચાદર ચઢતી નથી, પરંતુ ફુલની માળાને સીઘી રાખી સમાધિ પર ચઢાવામાં આવે છે. ચાદર મુસલમાનની દરગાહ પરચઢે છે. હિન્દુની સમાધિ કહેવાય છે. જ્યારે મુસલમાનની કબર અથવા દરગાહ કહેવાય છે. છતાં ભક્તો ફુલની ચાદર પણ ઇચ્છા મુજબ ચઢાવે છે. નર્મદા નદી, ભુખરી નદી અને અરબી સમુદ્રનો સંગમ થાય છે. એવા રળિયામણા સ્થળ પર આ અલગારી બાવાની સમાધિ આવેલી છે. 

       સુંદર વૃક્ષોની ઘટાદાર છાયામાં મઢુલી બનાવી શ્રી હરિબાવા તેમના ધર્મપત્ની સતી દેવળબા અને તેમના પટ્ટ શિષ્ય પિતાંબરદાસ રહેતા હતા. અન્ય બાવાઓની જમાત પણ હરિબાવાના સાનિધ્યમાં હતી. મહા વદ અમાસને સંવત ૧૬૦૦ ના દિનથી એટલે આજે પુરા ૪૬૫ વર્ષ થયાં આ અજોડ સાધકની જીવંત સમાધિને. સમયની અવધી પારખી ગયેલા પૂ. શ્રી હરિબાવા અને દેવળબાની આજીવન સેવા કરનાર શ્રી પિતાંબરદાસની વિનંતીથી તેમને પ્રથમ જીવંત સમાધિ પૂજયશ્રીના આશિર્વચને મળી હતી. એમના આશિર્વાદથી એમની સમાધિની પ્રથમ પૂજા થાય છે. ત્યાર બાદ ગુરુજીએ અને બાએ જીવંત સમાધિ લીધી, એમનો સમય પુરો થયો. ભક્ત શિરોમણી પણ ગયા. એમણે આ જગતમાંથી માથા સમેટી લીધી હતી. એમના શિષ્યો અને અનુયાયીઓ એ મળી એમની સમાધિ બનાવી. મહા વદ અમાસ્યાના નિર્વાણ દિનને ‘સિધ્ધ સ્મૃતિ દિન’ તરીકે માહ્યાવંશી ક્ષત્રિય સમાજ અને રોહિત સમાજ અને અન્ય શ્રધ્ધાળુઓ મોટી ધામધુમથી ઉજવણી કરે છે. મેળો ચૌદશ અને અમાસનો ભરાય છે.

|| મઠ મંદિરનો સામાજિક વિકાસ ।।

પૂજ્યશ્રીની સમાધિ પર જમાના અનુસાર તરસાળીનું છાપરું હતું, ત્યારબાદ સાધારણ મકાન બન્યું. સમાધિએ મંદિરનું સ્થાન ગ્રહણ કર્યુ. એ પૂજ્ય શ્રી ના પ્રતાપનો પરચો છે. મંદિરની આજુબાજુ એમના અનુયાયીઓ, ભક્તો તેમજ પુજારીઓના સાતેક મકાનો હતા.

Page 20

મઠ મહેગામ મંદિરના પાછળના દ્વારથી નીકળતા ભક્તજનો

         કહેવાય છે કે જેમને અકસ્માતે શ્રધ્ધા જાગી હતી. એવા ફિરંગી દ્રારા, પોર્ટુગીઝના જમાનામાં આ મંદિરનું ચણતર થયેલું. મંદિરની બેઠક ભૂમિ સરસી ચોરસ આકારમાં છે. માથે ગોળ ગુંબજ છે. જમીનથી દશ ફુટની ઉંચાઇવાળું આ મંદિર છે. અસલમાં આ મંદિરનું એક જ મુખ્ય દ્વાર હતું. દર વર્ષે મેળા વખતે બહાર નીકળવા મંદિરના એક જ દ્રારના લીધે દર્શનાર્થીઓમાં અથડામણ વધી જતી હતી. સેવાર્થીઓને સંચાલન સુખમય કરવું મુશ્કેલ હતું. એટલે મુખ્યદ્વારથી પ્રવેશતા જમણી બાજુ પર એક નાનું દ્રાર બહાર નીકળવા માટે બનાવવામાં આવ્યું છે.

પૂ. હરિબાવા અને દેવળબાની સમાધિ

Page 21

      મંદિરમાં પૂ. શ્રી હરિબાવાની છ ફુટ અને દેવળબાની સાડાપાંચ ફુટની લાંબી સમાધિ છે, જીર્ણોદ્રાર વખતે નવીનઓપ આપવામાં આવ્યો છે. સમાધિ પર મખમલની ચાદર પણ ચઢાવવામાં આવે છે, અત્યંત પવિત્રતાથી પ્રેમ અને શ્રધ્ધાથી અહીં પૂજા આરતી કરવામાં આવે છે.

     ૪૫૦ થી અધિક વર્ષ પુરાણી સમાધિ મંદિર ૧૦’-૧૦’ નું ચતુષ્કોણ મંદિર વખતોવખત સખીદાતાઓ દ્રારા જીર્ણોદ્રાર થતાં આજે પણ એવુંને એવું અકબંધ ઊભું છે. ચતુષ્કોણની ઉપર અષ્ટકોણ રચી તેના પર ગોળ ગુંબજ બનાવવામાં આવ્યો અને તેના પર પાંચ કળશ આકારને ક્રમસર નાના બનાવવામાં આવ્યા છે. સને ૧૯૬૭ માં જીર્ણોદ્રાર વખતે મંદિરને અડીને મુખ્ય પ્રવેશદ્વાર સાથે પરસાળ પર સભામંડપ બનાવવામાં આવ્યું. આ કાર્ય ઇ.સ. ૧૯૬૬ માં હરિબાવા મંદિર સુધારણા સમિતિ ડી. સુરત દ્વારા થયું હતું. પ્રમુખશ્રી ભગવાનદાસ રતિલાલ વરેલીયા, બેગમપુરા સુરત અને મંત્રીશ્રી તુલસીદાસ ભગવાનદાસ લાડવીયા, સહારા દરવાજા ફુદના વાડી સુરતના વડપણ હેઠળ આ કાર્ય થયું હતું.

      પિતાંબરદાસ ની સમાધિ શ્રી હરિબાવાના મંદિરથી ૪૦-૫૦ ફુટ દૂર ખુલ્લામાં જ હતી. પરંતુ તા. ૨૩- ૨-૧૯૮૨ માં દાનેશ્વરી શ્રી નગીનદાસ ભગવાનદાસ સુરતીએ સમાધિ પર મકાન બનાવવા રૂ. ૫૦૦૧ /- નું દાન આપ્યું હતું.

Page 22

         કહેવાય છે કે જેમને અકસ્માતે શ્રધ્ધા જાગી હતી. એવા ફિરંગી દ્રારા, પોર્ટુગીઝના જમાનામાં આ મંદિરનું ચણતર થયેલું. મંદિરની બેઠક ભૂમિ સરસી ચોરસ આકારમાં છે. માથે ગોળ ગુંબજ છે. જમીનથી દશ ફુટની ઉંચાઇવાળું આ મંદિર છે. અસલમાં આ મંદિરનું એક જ મુખ્ય દ્વાર હતું. દર વર્ષે મેળા વખતે બહાર નીકળવા મંદિરના એક જ દ્રારના લીધે દર્શનાર્થીઓમાં અથડામણ વધી જતી હતી. સેવાર્થીઓને સંચાલન સુખમય કરવું મુશ્કેલ હતું. એટલે મુખ્યદ્વારથી પ્રવેશતા જમણી બાજુ પર એક નાનું દ્રાર બહાર નીકળવા માટે બનાવવામાં આવ્યું છે.

        આ ઉપરાંત શ્રી હરિબાવા મહારાજ (મઠ) મહેગામ (ભરૂચ) મંદિર જીર્ણોદ્રાર સમિતિ – સુરતના કાર્યકર્તાઓ દ્રારા ઇ.સ. ૧૯૯૫-૯૬ માં પાણીની જમીનસરસી મોટી ટાંકી પિતાંબરદાસની સમાધિના પાછળના મેદાનમાં બનાવવામાં આવી છે. જેમાં નળની વ્યવસ્થા છે. પાણીના ટેન્કરો લાવી તેમાં ખાલી કરવામાં આવે છે. મેળા વખતે પ્રસાદ લીધા પછી હાથ મોં ધોવા માટે એ પાણી ઉપયોગમાં લેવાય છે.

       મઠ મહેગામના પરિસરમાં કેપ્ટન માણેક દ્વારા વિડિયો શુટિંગ કરવામાં આવ્યું. કેમેરા દ્વારા ફોટાઓ લેવામાં આવ્યા અને અમો માહિતી એકઠી કરવા લાગ્યા.

       આ જીવંત સમાધિ સ્થાનનું અત્યંત મહત્વ હોવાથી અમો આવતાં જતાં ભક્તો પાસેથી કશુંક નવીન જાણવાની જીજ્ઞાસા રાખતા અમને આગંતુકોમાં શ્રધ્ધા અને ભક્તિના દર્શન થયા.

Page 23

        આજના દિવસે દર્શને આવેલાઓમાં શ્રી મુકેશભાઇ જેરામભાઇ ડભોઇવાળાને ત્યાં હરિબાવાની બાધા આખડી રાખવાથી એમની આશા ફળી અને બાળકીનો જન્મ થયો. સીંગની બાધા રાખી હશે એટલે શીંગનો પ્રસાદ દર્શને આવેલા પ્રત્યેકને ખોબા ભરી ભરીને આપી. તેમણે ફુલ, ચાદર, અગરબત્તી, શ્રીફળ વગેરે શ્રધ્ધાપુર્વક ચઢાવી તેમનું આખું કુટુંબ હરિબાવાના ચરણમાં પડી ધન્ય થયા.

|| મઠ મંદિરમાં પુજારણ દ્વારા પ્રસ્તુત ।।

        મઠ મહેગામ મંદિરના પુજારણ મંજુબેન પ્રભાતભાઇ પરમાર ઉપરોક્ત કાર્યને આટોપી લીધા પછી અમો તેમને મળ્યા. અહીંથી વિગતે માહિતી એકઠી કરવાને માટે નર્મદા નદીને કિનારે આવેલા મહેગામમાં અમો એમના નિવાસસ્થાને ગયા.

પૂજારણ શ્રીમતિ મંજુબેન અને તેમનો પરિચય

          પૂજારણ શ્રીમતિ મંજુબેન પ્રભાતભાઇ શિક્ષિત છે. મેટ્રિક સુધી ભણેલા છે. 1986 માં પ્રભુતામાં પગલાં માંડી અહીં મંદિરમાં દાદાની સેવામાં રહે છે. પિતાંબરદાસના વંશજોમાંના આ ગરુડા લોકો કહેવાય છે. આ એમની સાતમી પેઢી છે.

             મહંતશ્રી ડાહયારામ મીઠારામ કટારીયા મઠાધિદાસને ત્રણ દિકરીઓમાં રમીલાબેન, દરિયાબેન અને કિરણબેન હતા. આથી તેઓ એમના ભાણેજ શંકરદાસ પ્રેમદાસને વારસ તરીકે અહીં લાવ્યા હતા. તેઓ વરણામાં ગામના હતા. એમના પત્નિ લક્ષ્મીબેન સાધવી બની ગયા. બીજું ઘર કરતાં એમના બીજા પત્નિ મણીબેન ૧૯૯૨ માં દેવલોક થયા. શ્રી શંકરદાસ પ્રેમદાસના વારસા તરીકે એમના દિકરી ડાહીબેન થયા. શ્રીમતિ ડાહીબેન ખુશાલદાસના વંશજમાં શ્રી બાલુભાઇ ખુશાલદાસ, શ્રી જેસંગભાઇ ખુશાલદાસ, અને શ્રી પ્રભાતભાઈ 

Page 24

ખુશાલદાસ હાલમાં પુજારી તરીકે છે. ડાહીબેનના કાકા શ્રી ચીમનદાસ રામદાસ પણ પૂજારી તરીકે સેવા બજાવે છે. હાલમાં તેઓ ભરૂચની નવી વસાહતમાં રહે છે. પહેલાં સ્વ. શ્રી ડાહયારામ મીઠારામ પણ નવી વસાહતમાં રહેતા હતા.

       પૂ. શ્રી હરિબાવાની દિનચર્યામાં મંદિરે સવારે ૭-૦૦ વાગે આનંદ મંગળ… આરતી ગવાય છે. અને સાંજે ૬ થી ૭ વાગ્યામાં નગારું વગાડવામાં આવે છે.

           પુજારણ મંજુબેને માહિતી આપતા જણાવ્યું કે નજીકમાં નર્મદા, ભુખરી, અને દરિયાના ત્રિવેણી સંગમ સ્થાને હવા ખાવાનું સ્થળ છે. એમણે હરિબાવા વિશે એક પ્રસંગ જણાવ્યો. બ્રિટીશ સરકાર વખતે એક પોલીસ આ મંદિરે ત્રાટક્યો. ધૂને ચઢીને સમાધિ પર ઝાટકો દીધો. ત્યારે સમાધિમાંથી જટા બહાર નીકળી. પોલીસે આ જટા ખેંચી તો લાંબી થવા લાગી. વધુને વધુ ખેંચવા લાગ્યો. જેમ ખેંચવા લાગ્યો. જેમ ખેંચતો જાય તેમ જટા લાંબી થવા લાગી. પછી તો જટા લઇને દોડવા લાગ્યો. લાંબે સુધી દોડતા તે હાંફવા લાગ્યો. આ ચમત્કારની પ્રતિતિ થતાં બ્રિટીશ સરકારે બે વીંઘા જમીન આ મંદિરને દાનમાં આપી. વાત વહેતી થઈ અને આ ચમત્કારથી ગામના લોકો અને બહારથી ભીડ જામવા લાગી. લોકો દર્શને આવવા લાગ્યા.  

        આ મંદિરની જમીનની સરકારી મહેસુલ રૂ. ૧૫૪ /- હાલમાં ભરવામાં આવે છે. પુજારીઓ પાસે હાલમાં ૩ એકર અને ૧૫ ગુંઠા જમીન છે. મઠાધિસોને રળી ખાવાનું આટલું જ સાધન છે.

            પુજારણ મંજુબેને હરિબાવાના જીવન વિશે પ્રકાશ પાડતાં જણાવ્યું કે પૂ. હરિબાવા કાઠિયાવાડના હતા. અને દેવળબા રાજપૂત કુળના હતા. પૂ. હરિબાવાને બે પુત્રો હતા. બાળદાસ અને ગોપાળદાસ જ્યારે પિતાંબરદાસના શિષ્યોમાં રામદાસ અને ધૂળદાસ હતા. અમો ધૂળદાસ બાપાના વંશજો છીએ. એમ એમણે જણાવ્યું.

“હજી શરૂઆતને આતો નર્મદા તરી ગયા,

નવી શરૂઆતને ‘હરિબાવા દર્શન’ આપી ગયા.”

Page 25

।। પૂ. શ્રી હરિબાવાની સ્મૃતિઓ ।।

      પૂ. હરિબાવાએ એમના શિષ્યોને સુપત્ર કરેલી કેટલીક અલૌકિક સ્મૃતિના દર્શન પુજારીશ્રીના ઘરમાં કરવા મળ્યા. દરેક પવિત્ર સ્મૃતિના ફોટા જનસમાજના દર્શનાર્થે પાડવામાં આવ્યા તથા તે વિશેની માહિતી માટે વિડિયોગ્રાફી કરવામાં આવી. જેની યાદી અહીં રજુ કરવામાં અમે આનંદ અનુભવીએ છીએ.

।। પૂ. શ્રી હરિબાવા મહારાજના સ્મૃતિરૂપે પ્રાચીન અવશેષો ।।

        પૂ. હરિબાવાની જટા હાલમાં વરસો જુની થવાથી ટુકડા થઇ ગયા છે. નાના નાના વાળને એક થેલીમાં રાખવામાં આવે છે.

Page 26

              ગરુડના ઇંડા ત્રણ હતા. બે તુટી ગયા. એક સંપૂર્ણ સુરક્ષિત છે. ઝાંખા કેસરી રંગ પર સફેદ છાંટાવાળું મોટું ઇડું છે. બીજા બેના ટુકડાઓ પણ કપડાની થેલીમાં રાખવામાં આવે છે.

Page 27

    આ પંચમુખી શંખ છે. ખુબ જ વજનદાર છે. રંગ સફેદ છે. સફેદ રંગનો શંખ મળવો મુશ્કેલ છે. જેથી આ ઘણો કિંમતી શંખ ગણાય છે.

      પૂ. હરિબાવાની ૧૦૮ રુદ્રાક્ષની મણકાની માળા હતી. જેમાંથી હાલ માત્ર ૮૮+૧ મધ્ય મણકાની માળા ઉપલબ્ધ છે. રુદ્રાક્ષ ઘણાં મોટા હોવાથી માળા વજનદાર છે.

    હાથમાં પહેરવા માટે એક બેરખા છે. એનો વ્યાસ જોતા લાગ્યું કે હરિબાવાના કાંડા એમની મોટી ઉંમરે દુબળા પાતળા હશે. અથવા તો એ બેરખું કદાચ દેવળબા અલંકાર તરીકે વાપરતા હશે. તેમજ ચાંદીનુ કડું જે પાતળી ચીપ જેવું છે. આ સાદું કડું પ.પૂ. શ્રી હરિબાવા પહેરતા હશે.

Page 28

            માતાજી દેવળબાની કંઠી અકીકના પત્થરની છે. તુલસીના મોટા દાણાની માળા હોય તેવા આકારના મણકાની કંઠી છે એની સાથે લટકતી મણકાની ચાર સેર છે.

         

         આટલી હરિબાવાના સંભારણાની ચીજ વસ્તુઓના આપણે ઇજારદાર છીએ. આટલી સ્મૃતિઓ આપણને હરિબાવાના સાનિધ્યમાં લઈ જાય છે. એમના દર્શન માત્ર કરવાથી જાણે પૂ. શ્રી હરિબાવાનો સાક્ષાત્કાર થયો હોય એવું લાગે છે.

         કહેવાય છે કે ગરુડના ઇંડા આકાશમાં જ સેવાય છે. નરભેરામભાઈ અને મંજુબેનની એક જ વાત આવે છે. મંજુબેને કહયું, ઘણા વર્ષો તપ કરતાં થયા ત્યારે બાપાની મોટી જટામાં ગરુડે ઇંડા મુક્યા હતાં. મંદિરની સામે જ નજીકમાં ચોરઆમલાનું ઝાડ છે. જેનું રૂપેરી રંગનું મોટું થડ છે. બરાબર તેની સામે ખાટી આમલીના બે ઝાડ છે. કહેવાય છે કે પૂ. બાવાજીએ સતના પારખા રૂપે દાંતણ કર્યા બાદ ચીરી કાઢી. બાઇ અને બાવાજીએ એક એક દાંતણની ચીર લીધી અને બંનેએ એક સાથે જમીનમાં રોપી અને લોટામાંથી પણી

Page 29

લઇ છાંટયું. ત્યાં તો સત્ના પારખા રૂપે બે આમલી ઉગી અને જોતજોતામાં મોટી થઈ ગઈ. અહિં જે સીધી આમલી છે તે હરિબાવાની અને વાંકી આમલી છે તે દેવળબાની આમલી તરીકે ઓળખાય છે. ભક્તો તેના પાંદડા તોડી પ્રસાદરૂપે લે છે.

દેવળબાની વાંકી આમલી અને હરિબાવાની સીધી આમલી

            આટલી વાતો જાણી એમને ત્યાં ચા-પાણી લઈ અમો સાંજે ઘર તરફ નીકળ્યા. મનમાં અતિશય આનંદ હતો. હરિના આશિર્વાદ લઇ અમો જાણે હરિના ઓજસના આવરણથી રક્ષિત થયા એવી લાગણી અનુભવી રહ્યા હતા.

“સંસારે વિચરો પરસ્પર ધરી આસ્થા અને ધૈર્યથી

સ્હેજો એકબીજા તણી ઊણપને : માંલ્ય તેથી બધું :”

                                                       (મુરિપકાર)

Page 30

ભાગ - ૨

|| હરિના પરચા-સત્ય ઘટના ||

            પૂ. સદગુરૂ હરિબાવાની કૃપાના અનેક પરચા લોકોમુખે સંભળાય છે. માહ્યાવંશી સમાજ, રોહિત સમાજ અને જેમને પરચા મળ્યાં છે. તેઓ શ્રી હરિબાવામાં અખૂટ શ્રધ્ધા ધરાવે છે. એટલું જ નહિં તેઓ હરિબાવાના ગમે તેવા સંજોગોમા પણ સોગંદ લેતા નથી.

1.

હું (સુરેશદાસ) નાનો હતો ત્યારે મેં નજરે જોયેલી ઘટના છે. ત્યારે મારી ઉંમર ૧૨-૧૩ વર્ષની હશે. ઇ.સ. ૧૯૫૦ ની આ વાત છે. મારા કાકાશ્રી લાલજીભાઈ દયાળને ત્યાં ગાલ્લી બળદ હતા. અમારા ગામ સમથાણની બાજુમાં અકોટી નામે ગામ છે. કંઇક કામ અંગે ગાલ્લી જોડી જતાં હતાં. રસ્તામાં બાવળના છુપલામાંથી સાપે બળદના પગમાં ડંખ માર્યો. બળદ ભડકયો. થોડીવારમાં બળદ ઠોકરાવા લાગ્યો. ધોળા દુધ જેવો રુષ્ટપુષ્ટ બળદ એનું નામ મંગો હતું. બળદ આગળ ચાલી શકે તેમ ન લાગતા, ગાલ્લી પાછી વાળી જેમ તેમ ગાલ્લી ઘરે આવી.

મારા પિતાશ્રી પ્રેમજીભાઇ પરસોત્તમ એમના મોટાભાઇ થાય. હરિબાવામાં અખૂટ શ્રધ્ધા ઘરાવતા. એમણે હાથપગ ધોઈ ગળામાં સુતરની આંટી નાંખીને હરિબાવાના નામનો દીપ પ્રગટાવી પાટ માંડી બળદ સારો ન થાય ત્યાં સુધી અન્નની બાધા લઈ સ્મરણ કરવા બેસી ગયા.

આ દરમિયાન ઘરને સાફસુફ કરી દેવામાં આવ્યું. સ્ત્રીઓને દૂર રાખી નજીક આવવાની મનાઈ કરી. ત્યારે ગામમાં સંપ સારો હતો. ચુલા સળગતા બંધ થયા. ગામમાં વાત વહેતી થઈ. ફળિયાના ભજનિકો તબલા કાંસા લઇ ભજન ગાવા બેસી ગયા. આજુબાજુના ગામના લોકોને ખબર પડતા તેઓ પણ ભજનમંડળ સાથે આવવા લાગ્યા. એક ભજનમંડળ થાકી તો બીજું તરત જ ઉપાડી લેતા. ગામના કણબી પટેલો ચા-પાણી અને નાસ્તો પૂરો પાડતા હતા. આ શ્રધ્ધા,ભક્તિ અને પરચાનો પ્રતાપ હતો.

ઘરની પરસાળ પરસાળની વચમાં ઓટલી અને તેની પાછળ બળદ બાંઘવાની કોઢ. તે કોઢમાં આ બળદ ધીરે ધીરે દોરી લાવી છુટો જ રાખ્યો. અછોડો છોડી નાંખવામાં આવ્યો. બળદ બેસી ગયો બલ્કે ફસ્કાઈ પડયો. ભજન તબલા વાજીંત્રો વાગતા હતા. બળદ ધીરે ધીરે ડોકુ ધુણાવતો હતો. મોઢા માંથી ફીણ નીકળતું હતું. લીંબડાના રસનું પણી વારે વારે પીવડાવવામાં આવતું હતું. તે દિવસ ગયો. રાત ગઈ. બીજો દિવસ થયો. એમ કરતાં બીજા દિવસની સાંજે

Page 31

બેઠો બેઠો ઘસડાતો (હફલતો) પોતાની મેળે દુવારા પાટ પાસે કોઢની ઓટલી ફરીને બધા માણસો (ભજન મંડળ) બેઠેલા તેની વચમાં આવીને દુવારા પર પોતાનું ડોકું મુકયું. થોડીવાર એજ સ્થિતિમાં પડી રહ્યો. પછી લીંબડાના રસનું પાણી પીવડાવવામાં આવ્યું. તરત જ બળદ ઊભો થઈ ગયો. શાંતિથી ઊભો રહ્યો. કોઢમાં લઈ જઈ નીરવામાં આવ્યું. પાણી આપવામાં આવ્યું. લોકોના આનંદનો પાર ન રહ્યો. હરિબાવાનો જયજયકાર બોલાયો. ઉજળો પ્રસાદ મીઠા વગરનો ભાત થોડું ઘી અને ખાંડ ભભરાવી સૌને વહેંચવામાં આવ્યો. મંગો ત્યારબાદ વરસો સુધી જીવતો રહ્યો. આ હતો હરિબાવાના પરચાનો સાક્ષાત્કાર અતૂટ શ્રધ્ધાનો વિસામો.

2.

શ્રી હરિબાવા મહેગામ બાંધકામ સમિતિ (સુ.જી.) ના તા. ૧૨-૨-૧૯૮૩ ના વિસર્જન અંક અહેવાલ તથા હિસાબ સમિતિના સૌજન્યથી યાદગાર ત્રણ પ્રસંગ પ્રેરણાદાયી હોય ફરીથી તેમના જ શબ્દોમાં રજું કરીએ છીએ.

      (અ) ઈ.સ. ૧૯૮૩ ના ૭ વર્ષ પહેલાંની વાત શ્રી ઈશ્વરભાઈ અંબારામ વરેલી વાળાએ રજૂ કરેલું કે એમની પોતાની ગાયને સર્પદંશ થયો. જેનાથી તે આંધળી થઈ ગઈ હતી. આ હકીકત જ્યારે અમોએ જાણી ત્યારે પૂ. દાદાના નામનો દિવો પ્રગટાવી ભજન કિર્તન કરી દાદાને પ્રાર્થના કરી તો પૂ. દાદાના પ્રતાપે મારી ગાય બેભાન અવસ્થામાં હતી તે ભાનમાં આવી અને સંપૂર્ણ સારી થઈ ગઈ હતી. આવા તો અનેક પરચાઓ સનાતન સત્ય રૂપે મોજુદ છે.”

     (બ) શ્રી સુબેદાર લાલચંદ કોસંબી ભેસાણવાળાએ લખ્યું કે “તે સમયના કલેકટરની ઘોડી મરી જતા માટીની ઘોડી બનાવી એને સજીવન કરી ઉપર કલેકટરને બેસાડયો. એ પવિત્ર જગ્યા તે પૂ. શ્રીનો મઠ અને આજુબાજુની જમીન કલેકટરે દાદાને ભેટ ધર્યા. એ પવિત્રધામ એટલું જ આજે અલૌકિક છે. શ્રી હરિબાવાની સમગ્ર સમાજ ઉપર છાયા રહેજો.”

   (ક) શ્રી ભગવાનદાસ ડી. સુરતી (એડવોકેટ) નાના વરાછાએ એક ચમત્કારિક સત્ય ઘટનામાં જણાવ્યું છે કે સને ૧૯૪૮-૪૯ ના અરસામાં “શ્રી હરિબાવા સહકારી ઘર બાંધનારી મંડળી લી. નામની અમોએ સરકારશ્રીની ગૃહનિર્માણ યુધ્ધોત્તર પૂનર્ઘટના મંડળીએ અમુક રકમ શેર થાપણ પેટે જમા આપવાની હતી. ગરીબ સભ્યો આ રકમ આપી શકયા ન હતા. આથી સરકારશ્રી તરફથી નોટિસ અને તાકીદ વારંવાર આપવામાં આવતી હતી. આ મંડળી ને ફડચામાં લઈ જઈને રદૃ કરવાની કાર્યવાહી વિચારાઇ રહી હતી. ત્યારે ભક્તોની વ્હારે ભૂધરો અને નરસિંહ મેહતાના અધુરા કામો પૂરા કરવા અંતરયામી પ્રભુ આ પૃથ્વી પર પ્રગટ થયા હતા તેજ પ્રમાણે અલૌકિક રીતે શ્રી હરિબાવા સહકારી મંડળીની ખુટતી રકમ બેંકમાં જમા થઈ ગઈ.

Page 32

આ હકિકતની જાણ થતાં અંદરોઅંદર એકબીજાને પૂછવા લાગ્યા. પરંતુ કોઇએ આ રકમ જમાં કરવી ન હતી. ત્યારે બધાના મોઢામાંથી શબ્દો સરી પડયા કે એ તો ગરીબનું અધુરું કામ પૂ. હરિબાવાએ પુરું કર્યું છે. એમ કહી ભક્તિપૂર્વક બધાએ પૂજય હરિબાવાના નામનો જય જયકાર બોલાવ્યો.”

3.

ચાર જ પાનાની એક પુસ્તિકા ભાઇશ્રી ધીરુભાઇ સુરતી સાયણવાળાએ હરિબાવા વિશે કંઇક સંશોધનય/લખાણ થઇ રહ્યું છે. જાણી તરતજ એમની ભજનની ડાયરીમાંથી કાઢીને મને આપી. -પૂજય હરિબાવાના ચરણમાં” નામની પુસ્તિકામાં પૂ. હરિબાવાના યાદગાર પરચાઓ તા. ૧-૩- ૧૯૯૫ ની પુસ્તિકામાં પ્રગટ થયા છે. ભાઇશ્રી સુરેશ આર. સોલંકીની મહેનત છે. અહીં સંકલિત થાય એ હેતુથી એમના સૌજન્યથી ત્રણ અંશ અહીં રજુ કરું છું.

     (અ) “મહેગામના વયોવૃધ્ધ વ્યકિત શ્રી પરબતદાસ લીમજીદાસ (૧૯૯૫થી) તેત્રીસ વર્ષ પહેલાં તેમના પિતાશ્રી સાથે નર્મદા નદીમાં નાવડી ભારે ચલાવતા હતા. દારૂનો વેપારી દારૂના ડબ્બા સાથે નાવડીમાં બેઠો. નાવડી કિનારે આવતા તોઓ દારૂ સાથે પોલિસના હાથે ઝડપાઇ ગયા. દારૂનો વેપારી સમય પારખી છટકી ગયો અને નિદોર્ષ વ્યકિતઓ પકડાઈ ગયા. બાવામાં તેઓને અતૂટ શ્રદ્ધા હતી. તેઓએ બાવાનું ધ્યાન ધર્યું. દારૂના ડબ્બાઓનું પોલિસ દ્રારા ચેકિંગ પોલિસોને દારૂની જગ્યાએ ડબ્બામાં ઘી દેખાયું. પોલિસોએ તેઓને નિદોર્ષ છોડી મુક્યા.

      તેઓએ ૨૧ દિવસ બાવાની સમાધિ પાસે બેસી બાવાની સેવા કરી. એક દિવસ બપોરે એક જાજરમાન વ્યકિત કે જેમણે સફેદ ધોતીની લુંગી ઝબ્બો ખેસ ધારણ કરેલ હતા. લાંબા વાળ અને છત્રીધારી આ વ્યકિત એમનાથી ૧૦૦ ફુટ દૂર-નજીક આવી ઊભી રહી ગઇ અને જેવા તેઓએ તેમની સમીપ જવા પ્રયત્ન કર્યો તો તે વખતના જુનાં પતરાના મંદિરમાં આ તેજસ્વી વ્યકિત પ્રવેશ કરી ગઈ અને મંદિરના દરવાજા બંધ થઈ ગયા.”

     (બ) “ગામ મહેગામના ૪૮ વર્ષની વયના શ્રી અમરસિંહ રામજીભાઈ એક દિવસ સાંજના સમયે તેમના ખેતરથી હળ લઈને ઘરે આવતા હતા. તો એક સાધુ તેમની સામે ઉભા રહી ગયા અને તેમને પૂછ્યું કે કયા ગામના ? અમરસિંહે જવાબ આપ્યો કે મહેગામના, વળતા સાધુને તેમણે પૂછ્યું મહારાજ મેં આપને કદી આ ગામમાં જોયા નથી. ક્યાં રહો છો ? સાધુએ જવાબ આપ્યો કે “આજ ગામનો છું” એમ કહી તુરતજ અદ્રશ્ય થઈ ગયા. તુરતજ તેમને ચેતના આવી ગઈ કે આ “હરિબાવા” જ હોવા જોઈએ પણ ઓળખી શક્યો નહીં.”

Page 33

        (ક) “ભરૂચના ૭૭ વર્ષની વયોવૃધ્ધ વ્યક્તિ શ્રી નરોત્તમદાસ કાળીદાસ સુરતી એક સમયે બાવાની સમાધિએ ચાલતા ગયેલા અને ત્યાં જઈ નારિયેળ વધેરી પ્રસાદ વહેંચતા એક ખાખી રંગ જેવી બંડી અને ઘુંટણ સુધીની ચડ્ડી પહેરેલી એક વ્યક્તિ આવી પ્રસાદ લઈ ક્યાંક અદ્રશ્ય થઈ ગઈ. શોધવા દોડતા પણ નજરે ન આવી. જરૂર “હરિબાવા” જ હતા. તેવું તેમને લાગ્યું.”

4.

મહાવદ અમાસ તા. ૧૦-૩-૨૦૦૫ને ગુરૂવારના રોજ મઠ મહેગામમાં કેપ્ટન માણેકશ્રીના સૌજન્યથી પ્રગટ થયેલ પત્રિકા ‘જય હરિબાવા’ વહેંચાઈ હતી. અને ‘માણેક વેરાણા મહેગામમાં’ સીડી અને કેસેટનું વિમોચન કરવામાં આવ્યું હતું. એ પત્રિકામાં પૂ. હરિબાવા વિશે સંશોધન કરી પુસ્તક બહાર પાડવામાં આવશે ની માહિતી આપવામાં આવી હતી. આ વાત જાણી કેટલાક પત્રો મારા પર આવ્યા. તેમાં શ્રી નગીનદાસ એમ. કતારગામી આ-સુરત તરફથી પ્રથમ તો મારા (સુરેશદાસ) સરનામાની ચોકસાઈ કરતો પો.કાર્ડ તા. ૧૧-૩-૦૫ નો આવ્યો.

        કદાચ પરચાની વિગત કયાંય ગેરવલ્લે તો નહિં થાય ને એવો એમને સંશય હતો. તરતજ એમને મેં ફોન કર્યો અને પ્રયુત્તર લખ્યો. ખાતરી થયા પછી તા.21-3-05ના રોજ એમણે પ્રત્યક્ષ પરચાની વિગત લખી મોકલી જે અહીં રજુ કરું છું.

           ઇ.સ.1945-46 ની સાલમાં અમની 9-10 વર્ષની ઉંમર હતી. સાઠેક વર્ષની આ વાત છે. આજે તેમની ઉંમર 73 વર્ષની છે.

           (અ) પ્રસંગ વર્ણન છે. “સુરતની લોકલમાં બેસી અમો ભરૂચ ગયા. તે વખતે મહેગામ જવા માટે બસ-મોટરની સગવડ ન હતી. ફક્ત બળદ ગાડામાં જવાતું હતું. 22 થી 24 નાના મોટા માણસો હતા. એકજ બળદ ગાડુ મળ્યું. 1 રૂપિયો વ્યકિત દીઠ ભાડુ હતું. બીજું ગાડુ મળ્યું નહિં. સવારે 6 વાગ્યાથી સાંજ પડી પણ કોઈ સવારી ગાડુ મળ્યું નહીં. હેરાન પરેશાન થઈ ગયા. ભરૂચમાં જ્યાં માહ્યાવંશી મહોલ્લો હતો ત્યાં ગયા. એક સદગૃહસ્થે રાત સુધી કોશિશ કરી. ગાડુ મળ્યું નહિં. તેમણે પોતાને ખર્ચે બધા ને જમાડયા. દરેકને જુદા જુદા ઘરે સુવાની સગવડ કરી આપી. બીજા દિવસે ગાડાની કોશિશ કરી પણ સફળ થયા નહિં.

       બીજી રાતે ફળિયાના લોકોએ બધાને જમવાની સગવડ કરી. સુવાની સગવડ કરતાં કરતાં કોઈ એક જણાએ પ્રશ્ન કર્યો-બબ્બે દિવસથી કેમ આમ થાય છે ?

        બધાએ શ્રી હરિબાવાને પ્રણામ કરી મનમાં વિનંતી કરી. ‘શ્રી હરિબાવા અમોને ગાડા મળે એવું કરી આપો’ એમ પ્રાર્થના કરી તેઓ રાત્રે બે ત્રણ ગાડા વાળા પાસે ગયા વિનંતી કરી અને ત્રીજે દિવસે સવારે છ

Page 34

વાગે 3 ગાડા મળ્યા. રસ્તે અનેક વિટંબણાઓ વચ્ચે જેમ તેમ મહેગામ પહોંચ્યા. લગભગ સમાધીથી થોડે અંતરેથી જેમણે બાધા માની હતી તે મારા માસીએ એકવીસ દંડવત્ પ્રણામ માનેલા હતા. તે શરૂ કર્યા. લગભગ સમાધી નજીક આવતા એકાદ પ્રણામ બાકી હશે. ત્યાં તો બારણામાં પહોંચતા જાણે શ્રી હરિબાવા માસીના મુખેથી બોલ્યા હશે. એવું મારું માનવું છે. સમાધીના દ્રાર પાસે માસી બોલ્યા-“લાવો બાસ્તો લાવ્યા છો ? કયાં છે બાસ્તો-ચાદર કયાં છે ?” આટલું બોલી માસીએ એક ક્ષણ માટે શધ્ધિ ગુમાવી-થોડી વાર બેહોશ જેવા થઈ ગયા.

         બીજા બધાએ બાધાની સામગ્રીમાં તપાસ કરી તો ચાદર લાવવાની ભુલી ગયા હતા. હવે અમને ખ્યાલ આવ્યો કે આ બે- ત્રણ દિવસ આજ કારણે બળદગાડા મળ્યા ન હતા. જો ભરૂચ માં જ કોઈને યાદ આવી જાત તો ત્યાંથી ચાદર ખરીદ કરી લેત. પરંતુ એ તો શ્રી હરિબાવાએ પરચો બતાવ્યો હતો. તમે ભુલ કરી એટલે તમોએ આ રીતે હેરાન થવું પડયું હશે. એવું મારું માનવું રહ્યું. આપણા પૂર્વજો કહેતા હતા. “હરિબાવા જાગતા જોર છે” એ સત્ય જ છે.”

        (બ) બીજી એક વાત શ્રી નગીનદાસભાઈ એ લખી છે જેમાં શ્રી હરિબાવા તરફથી એમને મદદ મળી એનું વર્ણન છે.

        “આ બાધા મુકવાના સમયે હું ધોરણ છ માં અભ્યાસ કરતો હતો. અને બાધા મુકીને સુરત પરત આવીને પછી પરીક્ષા આપવાની હતી. ઉપરોક્ત અનુસંધાનમાં ત્રણ દિવસ ભરૂચમાં બગડયા એટલે પરીક્ષાની તારીખ ચાલી ગઈ. અને એક વરસ બગડશે એવું લાગ્યું. પરંતુ સુરત આવ્યા પછી મારા માતૃશ્રીએ કહયું તું પાસ થઈ જશે. મને હસવું આવ્યું. પરીક્ષા આપ્યા વગર પાસ શી રીતે થવાય ? પણ શિક્ષકને આ પૂજા-બાધાની વાત કરી એટલે એને શું લાગ્યું હશે કે શ્રી હરિબાવાએ પ્રેરણા કરી એટલે હોય ? મારા માતૃશ્રીએ હરિબાવાનો ભાવ વહેંચવાની બાધા લીધી હશે. તેના પ્રતાપે મારી એકલાનીજ પરીક્ષા લીધી અને હું ધોરણ છ માં પાસ થઇ સાતમાં ધોરણમાં પહોંચી ગયો. અને ચમત્કાર થયો. વરસ બચી ગયું એ હજી મને યાદ છે.”

5.

શ્રીમતી રંજનબેન ઠાકોરભાઇ માહ્યાવંશી સિંગોદ (બારડોલી) ના વતની જણાવે છે કે “મારી છોકરી ચિ. અમિષાબેનને આંખમાં વાગી ગયું હતું. એ આંખ પાકી જવાથી ડોક્ટરના કહેવા પ્રમાણે દવા ચાલુ રાખવા પછી પણ સારું થયું ન હતું. ડોકટરે પણ છેવટે કહયું કે આંખ બચી શકે તેમ નથી. મેં સદ્દગુરુ હરિબાવાનો નવેજ કરીશ અને તે પણ મારી છોકરીનું સગપણ અથવા લગ્નના શુભ દિવસે કરીશ એવી માનતા રાખી હતી. તો મારી છોકરીની આંખ પણ સારી થઈ

Page 35

ગઈ અને લગ્ન પણ થઈ ગયા. આજે પણ મને સદ્દગુરુ હરિબાવા પર એટલો વિશ્વાસ છે કે મારી કોઇપણ મનોકામના હરિબાવા જ પુરી કરશે.”

6.

હાથ પગ ધોઈ પૂ. હરિબાવાનુ સ્મરણ કરી દીવો પ્રગટાવ્યો. અગરબત્તી ધુપનો ધૂમાડો કર્યો. ત્યાં તો લાઈટ ગૂલ થઈ. આવા વખતે રાતભર લાઈટ પણ આવી નહિં. મારા પત્ની મારી દિકરી અને તેની આઠ વરસની દિકરી જ અમો ઘરમાં હતા. રાતભર અમો જાગતા રહયા. સવારે ઠોકઠાક કરી માળ પર તપાસ કરી પણ કંઇજ હતું નહિં. આમ પૂ. હરિબાવાના સ્મરણથી ઉંદર પાછળ ચોમાસામાં આજુબાજુથી માળ પર પ્રવેશેલો સાપ તેના રસ્તે જયાંથી પ્રવેશેલો ત્યાંથી અદ્રશ્ય થઈ ગયો. પરંતુ આની સાથેજ એક બીજી ઘટના ધ્યાન દોરે તેવી મને લાગી. છેલ્લાં કેટલાય મહીનાથી ઘરમાં એકેય બીલાડી દેખાય ન હતી. પરંતુ આ ઘટના સમયે એક બીલાડી ઓટલા પર બેસીને માળ પર નજર તાકતી હતી. ત્યાંજ બીજી બીલાડી મારી નજીક ઘરમાં કબાટ પાસે આવીને માળ પર જોવા લાગી. રાતભર ત્યાંજ બેસી રહી જે સવારે 3-30 વાગે ત્યાંથી ખસી. મને આ પ્રસંગ સાપ કરતા બે બીલાડીનો અંચબો વધુ હતો. અમો રાતભર અંધકારમાં બીલાડીના સહારે જાગતા રહ્યા. હરિબાવાએ જ અમારી સહાઇ અર્થે બીલાડીઓ મોકલી હશે. એવું અમને મહેસુસ થયું. જયશ્રી સદ્દગુરુ હરિબાવા.

           હાથ પગ ધોઈ પૂ. હરિબાવાનુ સ્મરણ કરી દીવો પ્રગટાવ્યો. અગરબત્તી ધુપનો ધૂમાડો કર્યો. ત્યાં તો લાઈટ ગૂલ થઈ. આવા વખતે રાતભર લાઈટ પણ આવી નહિં. મારા પત્ની મારી દિકરી અને તેની આઠ વરસની દિકરી જ અમો ઘરમાં હતા. રાતભર અમો જાગતા રહયા. સવારે ઠોકઠાક કરી માળ પર તપાસ કરી પણ કંઇજ હતું નહિં. આમ પૂ. હરિબાવાના સ્મરણથી ઉંદર પાછળ ચોમાસામાં આજુબાજુથી માળ પર પ્રવેશેલો સાપ તેના રસ્તે જયાંથી પ્રવેશેલો ત્યાંથી અદ્રશ્ય થઈ ગયો. પરંતુ આની સાથેજ એક બીજી ઘટના ધ્યાન દોરે તેવી મને લાગી. છેલ્લાં કેટલાય મહીનાથી ઘરમાં એકેય બીલાડી દેખાય ન હતી. પરંતુ આ ઘટના સમયે એક બીલાડી ઓટલા પર બેસીને માળ પર નજર તાકતી હતી. ત્યાંજ બીજી બીલાડી મારી નજીક ઘરમાં કબાટ પાસે આવીને માળ પર જોવા લાગી. રાતભર ત્યાંજ બેસી રહી જે સવારે 3-30 વાગે ત્યાંથી ખસી. મને આ પ્રસંગ સાપ કરતા બે બીલાડીનો અંચબો વધુ હતો. અમો રાતભર અંધકારમાં બીલાડીના સહારે જાગતા રહ્યા. હરિબાવાએ જ અમારી સહાઇ અર્થે બીલાડીઓ મોકલી હશે. એવું અમને મહેસુસ થયું. જયશ્રી સદ્દગુરુ હરિબાવા.

Page 36

ભાગ - 3

પરિતૃપ્તિ

       શ્રીમદ્ આદ્યશંકરાચાર્ય જેવા મહાપુરુષ પણ ભાવભીના થઈ ગુરુનું નામ આવતા જ કહે છે.

     ‘મારા સદ્દગુરુ માટે કોનું દૃષ્ટાંત આપુ ? ત્રિભુવનમાં કોઇ નથી કે જેની સાથે મારા સદગુરુની સરખામણી થઇ શકે.”

        ગંગા, યમુના, ગોદાવરી, સરસ્વતી, નર્મદા, તાપી અને કાવેરી નદીઓમાં જેનું સ્થાન છે તેવી પવિત્ર નર્મદા નદી અને ભુખરી નદી પશ્ર્ચિમે સાગર મિલનના ત્રિવેણી સંગમ સ્થાને ગોંસાઈ બાવાઓમાં મંદિરના પૂજારીના રહેથાણથી પૂ. હરિબાવાના સ્મૃતિ રૂપે રહેલા પ્રાચીન અવશેષોને પાલખીમાં સજાવી માહ્યાવંશી ક્ષત્રિય સમાજ અને રોહિત સમાજ તથા અન્ય સમાજના ભક્ત ભાઇ-બહેનો ‘હરિબાવાની જય’ ‘હરિગોસાંઇની જય’ ના નાદે હરિબાવાના સમધિ મંદિર (મઠ) તરફ ધીરેધીરે વાજતે ગાજતે હર્ષોલ્લાસથી પાલખી લઈને આવી રહયા છે.

       આજે મહા વદ અમાસનો દિવસ છે. પૂ.હરિબાવા, દેવળબા અને શિષ્ય પિતાંબરદાસના સમાધિસ્થળે મેળો ભરાય છે. ઢોલ, ત્રાસા, મંજીરા વાગે છે. ગુરુજીના નામનું રટણ કરતાં ગુરુજીના ભજનો ગાતા ગાતા બે કીલોમીટર જેટલું અંતર કાપી નાચતા કુદતાં સૌ ભક્તજનો આવી રહયા છે. લકઝરી, મીનીબસ, મોટરગાડી કે બાઈકને મુકવાની જગ્યા નથી. હવે બળદગાડાને અવકાશ નથી. સૌને ઉતાવળ છે. દાદાના આશિર્વાદ લેવામાં માનવ મહેરામણ ઉમટયો છે. મઠ મહેગામવાળાની યાત્રાએ મુંબઇથી અમદાવાદ સુધીના અનેકગામોથી ભક્તોની ભીડ ઉભરાય છે.

Page 37

ધોળી ધજા સાથે વાજતે ગાજતે પાલખી આવી રહી છે.

પૂજારી શ્રી પ્રભાતભાઈ કાચની પેટી પાલખીમાંથી ઉતારી બેઠા છે.

મઠ મહેગામના વિશાળ મેદાનમાં મેળાના દર્શન

Page 38

“અવતારી ઓલિયા બાવા, તમે ભાગી ભક્તોની ભીડ, 

બેઉકર જોડી વિનવીએ, મારા મહેગામવાળા પીર.”

       પૂ. હરિબાવાની રુદ્રાક્ષની માળા, ગરુડના ઇંડા, અકીકની મોતીમાળા, જટા, પંચમુખી શંખ, બેરખા, ચાંદીનું કડું સમગ્ર વરસ દરમિયાન મઠ મંદિરના પુજારીઓ આ સ્મૃતિઓને જીવની જેમ સંભાળી રાખી ભાવીકોના દર્શનાર્થે શોભાયાત્રા કાઢી સમાધિસ્થાને લાવે છે. મંદિરે પાલખીમાંથી ઉતર્યા પછી પંચમુખીનો શંખનાદ કરવામાં આવે છે. પુષ્પોની વૃષ્ટિ થાય છે. હાલમાં કાચની પેટીમાં દર્શનાર્થે રાખવામાં આવે છે. અક્ષતથી વધાવવામાં આવે છે. ત્યારબાદ ફુલપાન, ચાદર, શ્રીફળ વગેરે ચઢાવી પ્રસાદ લઈ ભક્તો બાવાને નમન કરી આશિર્વાદ લઇ સૌને હળી મળી ને ગૃહમ્ પ્રતિગચ્છતિ.

       ભોળા ભક્તોને ખબર નથી. અહીં આ પ્રસાદની વ્યવસ્થા કોણે કરી. આ વિશાળ મંડપ, પાણી વ્યવસ્થા અને અન્ય દેખભાળ કોણ કરે છે ! કેવી રીતે થાય છે ! કોઇ વ્યવસ્થાપક નથી. અહીં બધું હરિબાવાના નામેજ ચાલે છે. જેમને જે યોગ્ય લાગે તે સેવા સ્વેચ્છાએ તેમની રીતે કરે છે. કોઈ મફત પાણી પીવડાવે છે. પાણીના ઠંડા પાઉચ હેંચે છે. કોઇ ગરમાગરમ ભજીયાનો નાસ્તો મફત આપે છે. સખીદાતાઓ મળી ભાવિકજનો ભંડારો કરે છે. આવી વ્યવસ્થા કરવાવાળોઓને ઓળખનારા જ ઓળખે છે. નથી ઓળખતા તે સમિયાણામાં બેઠેલા આગેવાનો ને જોઈ દૂરથી ચાલ્યા જાય છે. જેમને જે યોગ્ય લાગે તેવા સ્ટોલો ચાલે છે. ખાસ કરી હરિબાવાના ભજનોની કેસેટ તેમજ મંદિર, સમાધિ, સ્મૃતિઓને લગતા સુંદર ફોટાઓ વેચાય છે. ફુલહાર, શ્રીફળ, અગરબત્તી અને બાળકોના મનગમતા રમકડા પણ મળે છે. આ બધી સંપૂર્ણ વ્યવસ્થા વ્યવસ્થિત ન હોવા છતાં બધું વ્યવસ્થિત રીતે હરિના નામે ચાલે છે.

“હરિ કેહતા હેત ઉપજે, બાવા કહેતા બળ હોય, 

ગોંસાઇ કહેતા ગૌરવ ઘણો, પીરમાં પરચો હોય.”

Page 39

|| સમકાલીન યુગના સંતો ।।

          હરિભક્તો હરિબાવા વિશે જે જાણે છે તેનું પ્રતિપાદન કરવું અહીં મને આવશ્યક લાગે છે. બાઈ, બાવા અને શિષ્યને પ્રસંગોનું ચિત મુલવવાનું પણ એટલું જ યથાર્થ છે. માટે થોડા ઊંડા ઉતરવાની જરૂર લાગે છે.

૧.

સવંત 1575ના માગશર સુદ એકાદશીએ સર્વને છેલ્લો સંદેશો આપી સંત કબીરદાસ પોતાની ઝુંપડીમાં ગયા. બારણું બંધ કર્યું. ચાદર ઓઢી સુઈ ગયા.

       બધા આગેવાનોએ મળી બારણું ખોલ્યું તો ત્યાં ફુલનો ઢગલો પડયો હતો. હિન્દુઓએ ફુલને અગ્નિસંસ્કાર આપ્યા. મુસલમાનોએ કબર બનાવી. કબીરદાસે ઓઢેલી અરધી અરધી ચાદર પણ બંનેએ લીધી પણ મંદિર એક જ બનાવ્યું. અહીં સંત કબીરદાસ અને સદ્દગુરુ હરિબાવાને એકબીજા સાથે મુલવવાનો પ્રશ્ન નથી. પરંતુ શ્રી હરિબાવા અને

       સંત કબીરદાસ સમકાલીન હતા. એક જ સદીના સંતો. સંત કબીરદાસનો જન્મ સવંત 1454માં થયો અને મૃત્યુ સવંત 1575માં આમ બંને સંત મહંતો વચ્ચે 25 વર્ષનો ગાળો જ રહયો છે. બલ્કે હરિબાવા એમના યુવાની કાળમાં સંત કબીરદાસની ખુબ જ પ્રસરેલી કબીરવાણીના પ્રભાવમાં જરૂર આવ્યા હતા. સંત કબીરદાસ 120 વર્ષ જીવ્યા હતા.

       સવંત 1575 અને સવંત 1600ના માગશર સુદ અને માગશર વદ એમના બન્નેના નિર્વાણ દિનમાં અચૂક સામ્ય છે. સંત કબીરદાસ ગુરુ રામાનંદના શિષ્ય હતા. ત્યારે પણ આવા મહાન સંતો નાતજાતનો અને ધર્મનો ભેદ માનતા નહિં. એવા સમયકાળમાં પૂ. હરિબાવા પણ નાતજાતના ભેદભાવ રહીત હતા. આપણા માંહેના પણ કેટલાક કબીરપંથી આજે પણ છે.

“કહત કબીર સુનો ભાઈ સાધી

                                  મેં તો હું વિશ્વાસમેં”

૨.

બીજા મહાન સંતોમાં શીખ ધર્મના સ્થાપક ગુરૂ નાનકનો જન્મ સવંત 1521 અને મૃત્યુ સવંત 1595માં થયું હતું તેઓ કહેતા.

Page 40

“હિન્દુ જપતે રામ રામ, મુસલમાન ખુદાય,

ઈકકો રામ રહીમ હૈ, મન મનમેં દેખો લાય*

               આમ આપણા પૂ. સદ્દગુરુ હરિબાવા મહારાજ સંત કબીરદાસ, ગુરુ રામાનંદ અને ગુરુનાનકના સમકાલીન હતા. કારણ તેઓ સં. 1600ની નજીકના હતા. આથી એવા સંતોના આચાર વિચાર અને વાણી પણ એમનામાં વણાયેલા હતા. સંતો આપણને સાચો જીવનધર્મ બતાવે છે. ધર્મ એ ઈશ્વર નથી. ઈશ્વર એકજ છે. પણ ઈશ્વર પાસે પહોંચવાનો માર્ગએ ધર્મ છે. આમ જુદા જુદા માર્ગને લઈને જુદા જુદા ધર્મો અને પંથો થયા છે. આ માર્ગી તે માર્ગી કરતાં તો સત્ માર્ગી થવું જરૂરી છે.

                  શ્રી રામકૃષ્ણ પરમહંસે કહયું છે કે “વિશ્વાસ અને બાળક જેવી શ્રધ્ધા ન હોય તો ભગવાનને પામી શકાય નહિ.” આવા વિચારો સંતો સુફીઓ અને ઓલિયાઓના છે. આમ ખરું જોતા બધા ધર્મના મૂળ સિધ્ધાંતો તો એક જ છે. પૂ. હરિબાવા મહારાજે પણ સનાતન ધર્મની ધોળી ધજા લહેરાવી દિવ્ય જ્યોતિરૂપ માર્ગદર્શન આપ્યું છે.

|| ઐતિહાસિક તવારીખની સામ્યતા ।।

૩.

પૂ. હરિબાવા વિના એકલા પડેલા સાધુબાવાઓએ તેમના નિર્વાણા બાદ તેમની સ્મૃતિમાં મંદિર બનાવ્યું અને તેમની પૂજા કરવા લાગ્યા. આ સમયના અનુસંધાનમાં ઈ.સ. 1498 એટલે સંવત 1554ના મેં મહિનાની 20 મી તારીખે વાસ્કો-ડી-ગામા દક્ષિણ હિંદના પશ્ચિમ કિનારા પરના કાલીકટ બંદરે પહોંચ્યો. એ સમયે મોગલ સામ્રાજ્ય એની બુલંદી પર હતું. વાસ્કો-ડી-ગામાએ કાલીકટ ના રાજા ઝામોરીન ઉર્ફે સમુદ્રરાયની વેપાર માટે પરવાગી માગી. હિંદના આંગણે પ્રથમ આવનાર પોર્ટુગીઝ લોકો હતા. તેઓ ખ્રિસ્તી ધર્મને માનનારા હતા. તેમણે એક સદી સુધી સમુદ્ર પર સત્તા ભોગવી. આથી તેઓ સંવત 1654 સુધી એટલે ઈ.સ.1598 સુધી આપણા દેશમાં હતા. છેવટે તેઓ દીવ, દમણ અને ગોવા શિવાય બીજા બધા હિંદી થાણાઓ ગુમાવી બેઠા હતા. કારણ કે તેમના હરીફ અંગ્રેજો અને વલંદા (ડચ) લોકો સત્તરમી સદીની શરૂઆત થઈ એ પેહલાં વેપાર માટે આવ્યા. વલંદા લોકોનું સુરતમાં થાણું હતું. તેઓ (ડચ) ઈ.સ.1596માં આવ્યા. ઈ.સ. 1608માં પહેલું અંગ્રેજ જહાજ સુરત બંદરે લાંગરીયું. ડચ લોકો હોલેન્ડના વતની હતા.

Page 41

૪.

ઇંગ્લેન્ડના રાજા જેમ્સ પહેલાંએ ઈ.સ. 1615માં મોકલાવેલા સર ટોમસ રો નામના પ્રતિનિધિએ બાદશાહ જહાંગીરને મળીને વેપારની પરવાનગી મેળવી. એટલે ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ સુરતમાં પહેલી કોઠી નાંખી.

       ઉપરની વાતો તમને વધુ પડતી લાગશે કે અસ્થાને લાગશે છતાં તે સમયમાં પોર્ટુગીઝે આપણું મઠ મહેગામનું મંદિર બનાવ્યું હતું એવી કથિત વાર્તા છે. એટલે તે સમયના તકાજામાં આ બીના નિર્માણ પામી હતી તે જાણવું ખુબજ અગત્યનું છે. પોર્ટુગીઝો ઈ.સ. 1498 એટલે સવંત 1554માં આવ્યા હતા અને સો વરસ અહીં વેપાર કર્યો હતો એટલે એ સમયગાળો અંગ્રેજો કરતાં પણ પૂ. હરિબાવાના સમયમાં પહેલો હતો. એટલે પોર્ટુગીઝ સરકારે આ મંદિર બંધાવ્યું હતું. એવી હકિકતને પુષ્ટિ મળે છે. પરચો અન્ય સ્થળે વર્ણવવામાં આવ્યો છે.

        આ ચોખવટ કરવાની જરૂર એટલા માટે જણાય છે કે કેટલાક ભાઈઓ અહીં રજુ કરાતા એક જ પ્રસંગને અંગ્રેજો માટે પણ કરે છે. જે હોય તે પરંતુ ભક્તને જે ગળે ઉતરે તે ખરું.

          પોર્ટુગીઝ વસાહત દમણમાં હતી. તેઓ દરિયાઇ સફર કરતા હતા. આજે પણ દમણ વલસાડના લોકો દરિયાઈ સફર કરવા વાળા છે. એક વખતે એક દરિયાઈ જહાજ સફર ખેડી રહી હતી. આપણી માહ્યાવંશી સમાજ માંહેના થોડાક ભાઈઓ તેમની સાથે એ જહાજમાં હતા. મધ દરિયે તોફાન શરૂ થયું. જહાજ ડુબી જાય એવી પરિસ્થિતિ લગભગ નજીક હતી. તે વેળા એક માહ્યાવંશી રસોઈયા ભાઈ પોતાના ઇષ્ટદેવ હરિબાવાની સ્તુતિ કરવા લાગ્યો. ફીરંગી અમલદાર જોઈ રહયો કે આ તોફાનમાં જહાજ ડોલમડોલ થઈ રહી છે. બધાને મોતની ભીતી લાગી રહી છે. એવા સમયે આ આંખબંધ કરીને કંઇક ગણગણી રહયો છે. ત્યાં તો કોઈ ચમત્કાર થયો હોય એમ દરિયો શાંત થઈ ગયો અને સૌ કોઈ બચી ગયા. આ જોઈ જહાજના અમલદારે એ વિષે પુછયું ત્યારે પેલા માહ્યાવંશી ભાઈએ પૂ. હરિબાવા વિષે વિગતે વાત કરી અને કહ્યું કે મેં માનતા માની હતી કે એમનુ જહાજ સહી સલામત આ તોફાનમાંથી ઉગરી જાય તો મંદિર બનાવી સમાધિ પર શ્રધ્ધાથી પૂજા કરીશ.

           આ વાત જાણી પોર્ટુગીઝ અમલદાર ખુશ થઈ ગયો. અને પોતાના માણસો મોકલી હાલનું જે મંદિર છે તે બંધાવ્યું હતું. સવંત 1600માં પૂ.હરિબાવાના નિર્વાણ પામ્યા બાદની આ ઘટનાને આધારભૂત માનવામાં આવે છે.

Page 42

।। ભારતીય સંસ્કૃતિ ।।

        આપણે અગાઉ વાંચી ગયા તેમ હરિભાઈ લગ્નને લાયક પચ્ચીસ વર્ષના થયાં હતા. પુરાણકાલિન ભારતીય સંસ્કૃતિમાં મનુષ્ય જીવનને સામાન્ય વય મર્યાદાઓમાં વિભાજીત કરવામાં આવી હતી. સૌષ્ઠયપૂર્ણ જીવન જીવવા માટે જન્મથી મરણાંત સુધીના કેટલાક વિભાગોમાં જીવનકર્મના આચરણને કર્મફળ શ્રૃતિમાં ગણાવ્યા-વર્ણવ્યા હતા. અને તે પ્રમાણે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રના ચાર વર્ણોમાંથી ભકિત વાવૈરાગ્યથી થતાં સાધુ સંતોના બાર વરસ બાલ્યવસ્થાના, બાર વરસ બ્રહ્મચર્ય પછી ગ્રુહસ્થાશ્રમ અને પંચદશી એટલે પચાસ વર્ષે અથવા પાંચમી દ્રાદશીમાં સન્યાસી થવાનું (વાનપ્રસ્થ) શુભ સાર તરીકે વર્ણવ્યું છે. કામ, ક્રોધ, મદ, મોહ અને લોભએ પાંચ અવગુણી તત્વો છે. તેને વસ કરે તે ગૃહસ્થી વનવાસ ધારણ કરી બાર વરસ સુધી સંસારની નિમિષમાત્ર કલ્પના ન કરે તે સન્યાસી બનવાને યોગ્ય છે. એવા યોગી સિધ્ધપુરુષ તે પરમહંસ પદને પામે છે.

|| સપ્તપદી ।।

     

          પૂ. દેવળબાની સપ્તપદી હરિભાઈ જોડે વિવાહસંસ્કાર દ્વારા સંપન્ન થઈ. પહેલાં હરિભાઈ જોડે સગપણ થયું હતું તે હરિભાઇના સાધુઓના ઝુંડમાંથી પાછા સમયસર ન ફરતા બીજા પુરુષ જોડે લગ્નની તૈયારી થઈ હતી. છતાં પૂર્વના યોગે જે નિર્માણ છે તે મિથ્યા થતું નથી અને તે થઈને જ રહે છે.

              જેની મૂર્તિ છેવટે સુધી સંઘરી રાખી હતી તેને જોતાં જ દેવળબાએ હરિભાઈ સાથે જ પાણી ગ્રહણ કરવા કહયું. અહીં આપણને સ્ત્રીના સતીત્વના દર્શન થાય છે. ભારતીય ઋષિઓએ આવો સાથ ચિરકાળ માટે ટકી રહે, બન્ને એકબીજાનાં સદાને માટે પૂરક બની રહે, એકબીજાના હાથ પકડી, એકબીજાની હુંફથી જીવન પથ પર આગળ વધતા રહે અને સંસાર ટકાવી રાખે એ હેતુથી સપ્તપદીનું નિર્માણ કર્યું હતું.

               સપ્તપદીમાં પ્રતિજ્ઞાવચન છે. આજના યુગલો એમાના કેટલા પદને નિભાવે છે. લગ્ન થયાં ન થયો ત્યાં તો બે ત્રણ મહિનામાં જુદા રહેવા માટે અલગ થવા માટે ઘરમાં ધમપછાડા ચાલુ થઈ જાય છે. સાસુ નણંદ અને સસરો એ વહુના નિશાનમાં અચુક આવતા હોય છે. દિકરીનાં માબાપ પણ આ સંયુકત કુટુંબની પળોજણમાં મારી દિકરી કયાં પડે ? એવું વિચારીને કેટલાક લોકો પ્રોત્સાહન આપતા હોય છે. અથવા તો આંખ આડા કાન કરી મારી દિકરી પહોંચી વળશે એવું માની ચલાવ્યે રાખે છે. છેવટે પરિણામ અવનવા આવે છે. આ ભારતીય સંસ્કૃતિને છાજે તેવું નથી જ.

Page 43

      ‘નારી તુ નારાયણી’ કહેવાય છે. પ્રભુતામાં પગલાં માંડી સ્વસુર ગૃહે આવે ત્યારથી એ ઘરને પોતાનું અને પારકાને પોતાના માની જીવન માણવાનું હોય છે. સંસ્કારી જીવનનો આજ મર્મ છે. પૂજય દેવળબાએ જીવન પર્યંત સતી સીતાની માફક દુઃખને સુખ માની જીવન વ્યતિત કર્યું. નારી તો વાત્સલ્યની મૂર્તિ છે. સહનશિલતા, ક્ષમા અને કરુણાની સાગર છે. આપણી હરકોઈ બહેનો આવી ઉત્તમ ભાવનાને જીવનમાં ઉતારે એવી અભિલાષા છે. યુવાનો પણ પોતાની ફરજ બજાવે. નારી સન્માનની મહત્તા સમજે. આજે સમાન હક્ક ઘરાવતી સ્ત્રી એ પુરુષની સમોવડી બની છે. પૂ. હરિબાવા અને પૂ. દેવળબાના જીવનને નજર સમક્ષ રાખી એ દ્રષ્ટાનુસાર ચાલીએ તો ભવસાગર જરૂર તરી જવાય.

'મૂર્તિ પૂજા?'

           સદગુરુશ્રી એમની સ્મૃતિમાં મુકી ગયેલા અવશેષો આપણા માટે શ્રધ્ધા અને આસ્થાનું સાધન માત્ર છે. ધુણીધામ કોબામાં મળી આવેલા જુના ચિત્ર પરથી તેમનું મોટું ચિત્ર બનાવેલું છે. તે ત્યાં મંદિરમાં રાખવામાં આવેલું છે. એમાંથી પ્રેરણા લઇ પૂ.હરિબાવાની સુંદર મૂર્તિને મંદિરના ગર્ભદ્રારમાં સ્થાપવામાં આવી છે.

                 કેટલાક ટિકાકારો આ મૂર્તિનો વિરોધ કરતાં પણ હશે. હરિબાવાને કોઈએ જોયા નથી. શું હરિબાવા આવા દેખાતા હશે ?

              તેત્રીસ કોટી દેવી દેવતાઓ, સંતો મહંતોથી ઉભરાતો આ ભારત દેશ છે. અનેક તિર્થ સ્થાનો છે. ભાવિકો દરેક તિર્થસ્થાને બને ત્યાં સુધી અચૂક દર્શને જતાં હોય છે. ત્યાં શ્રીરામ, કૃષ્ણ, શિવ-પાર્વતી, અંબાજી, મહાકાલી, દશામાં, મહાલક્ષ્મી, સરસ્વતી, ગણેશજી શું એવા હતા ? રાજસ્થાનના સફેદ આરસના પથ્થરમાંથી કંડારેલી સુંદર મૂર્તિઓને મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરી પધરાવામાં આવે છે. અને ‘મૂર્તિની પ્રતિષ્ઠા ખુબ વધો’ એવી ભાવના બ્રાહ્મણો અને ભક્તો મળી કરે છે. જેથી એ મૂર્તિનો મહિમા વધે છે. એવા મંદિરને જાગૃત દેવ કહેવાય છે. અને ભક્તો શ્રધ્ધા રાખી એ દેવ સ્થાનની ભક્તિ કરે તો એની માનતા પણ ફળે છે.

             મનુષ્યનું મન ચંચળ છે. તે ક્ષણવાર પણ ક્યાંય સ્થિર થતું નથી. આવા સમયે મૂર્તિને નજર સમક્ષ રાખી ઘ્યાન કેન્દ્રિત કરી, હૃદયમાં ઉતારી, કોઇપણ દેવી દેવતા કે ઇષ્ટદેવીની પૂજા કરતાં મનની સ્થિરતાનું શાઘન એ મૂર્તિ બને છે. માટે પૂ. હરિબાવાની પણ મૂર્તિનું સ્થાપન કરવામાં આવે તો કશું ખોટું નથી. અમે તો એમ કહીશુ કે ભક્તો આપણા મઠ મંદિર (સમાધિ) ની બાજુમાંજ બીજું ભવ્ય મંદિરનું નિર્માણ કરી. પૂ.

Page 44

સદ્દગુરુ હરિબાવાની સુંદર મૂર્તિનું સ્થાપન કરવામાં આવે તો એથી બીજું સમાજ માટે શ્રેષ્ઠ શું હોઇ શકે ? મહુવા તાલુકાના કરચેલિયા ગામની સીમમાં ગોળીગળનો મેળો ભરાય છે. આ મેળો વર્ષમાં એકવાર જ મંદિર ખુલે ત્યારે ભરાય છે, જેમાં હોળીના આગલા રવિવારે અસંખ્ય દર્શનાર્થીઓ ઠેર-ઠેરથી ઉમટી પડે છે. આ દિવસે જ જેઓના શરીરે ગાંઠ, રસોળી થઇ હોય તે તેમની બાધા લેવાથી ઓગળી જાય છે. તેમની બાધા ચઢાવવાનો આ એક જ દિવસ હોય છે. પહેલા નાનું સરખું મંદિર (ડેરું) હતું. આજે આ તિર્થસ્થાને બીજું ભવ્ય મંદિરનુ નિર્માણ થયું છે અને ‘ગોળીગળ’ બાપાની મૂર્તિ પૂજાનું પ્રતિક બન્યું છે. પૂ. હરિબાવાના તિર્થસ્થાનને યોગ્ય સુંદર પરિસરનું નિર્માણ તથા રસ્તા સુધારવાની જરૂર છે. આટલા વર્ષો થયાં છતાં મઠ મહેગામ મંદિરની ભૂમિ ફરતે ફેનસીંગ પણ નથી. આવા કેટલાક કાર્યો કરવા માહ્યાવંશી સમાજે સમિતિ બનાવી પૂજારીઓને એમનામાં રહેલી હક્ક માલીકીની બીકને દૂર કરી સાથે રાખી કાર્ય કરવાની આપણી ફરજ છે.

             પ્રજા પથ્થરને નથી પૂજતી, પણ પથ્થરમાં પરમાત્માનો વાસ છે એવી હ્રદયથી ભાવના પ્રગટ થાય છે ત્યારે એ પથ્થરની મૂર્તિ પર પુષ્પો ચઢાવવામાં આવે છે. કોઈપણ દેવીની મૂર્તિને ખુબ જ શ્રધ્ધાથી પુજા- અર્ચના કરી પગે લાગીએ છીએ. સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરીએ છીએ, ત્યારે એ મૂર્તિ સાચી છે કે ખોટી, કે બરાબર દેવદેવીની આજ મૂર્તિ છે કે નથી તેવું ભક્તો તે ઘડીએ વિચારતા નથી. પરંતુ એ મૂર્તિ જોતા જ આપણા બંને હાથ જોડાઇ જાય છે અને મસ્તક અચૂક નમી જાય છે. આમ શા માટે થાય છે. મૂર્તિ આસ્થા અને શ્રધ્ધાનુ પ્રતિક છે.

             અહીં શ્રધ્ધા અને ભકિત જ મુખ્ય ભાગ ભજવે છે. એટલું જ નહિં એ દેવ-દેવીમાં અદ્વિત્ય શક્તિનો જે ભાસ કેળવીએ છીએ તેના પ્રભાવનો અંશ માત્ર પણ આપણામાં જો અંકિત થાય તો કાર્ય સફળ થશે એવી આશાની અનુભૂતિ થાય છે. અને આપણું મસ્તક નમી જાય છે. તે શિવાય નમનનું બીજું કારણ આ મહાશક્તિને જો નમન નહિં કરીશું તો અનાદર થશે ને આપણા પર એમનો કોપ ઉતરશે એવી બીકે પણ જાણે અજાણ્યે નમન કરી દેવાય છે. સુંદર ફોટાઓને આપણા ઘરમાં રાખી ધુપ દીપ અગરબત્તીથી પૂજા કરીએ છીએ, તો હરિબાવાની સુંદર મૂર્તિને મંદિરમાં પધરાવી પૂજા કરીએ તો આપણું કયાં ખોટું થવાનું ?

|| માહ્યાવંશી સમાજમાં ધાર્મિક નિષ્ઠા ।।

Page 45